દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. આવી સ્થિતીમાં ક્ષેત્રીય પક્ષોના નેતાઓ ફરી એકવાર સક્રિય થઇ ગયા છે. આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના નેતા મમતા બેનર્જી, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી, એનસીપીના નેતા શરદ પવાર, ટીઆરએસના નેતા ચન્દ્રશેખર રાવ, ટીડીપીના નેતા ચન્દ્રબાબુ નાયડુની પણ ચાવીરૂપ ભૂમિકા રહેનાર છે. આ તમામ નેતાઓની પાર્ટી તેમના સંબંધિત રાજ્યોમાં મજબુત સ્થિતી છે. જેથી તેમની ભૂમિકા આ વખતે કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનાવવામાં ચાવીરૂપ રહી શકે છે.
કારણ કે તેમની પાર્ટીની સીટો વધારે રહેનાર છે. ઓરિસ્સાના મુખ્યપ્રધાન નવીન પટનાઇકના નેતૃત્વમાં બીજેડીની ભૂમિકા પણ ચાવીરૂપ બની શકે છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પરસ્થિતીને જાણીને ક્ષેત્રીય પક્ષોને પોતાની તરફેણમાં કરવા માટે ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. આવી સ્થિતીમાં આ પ્રાદેશિક પક્ષો પૈકી કોણ કોની સાથે જશે તેને લઇને વિગતો તૈયાર કરવામાં આવી રહી છે.
જો કે એક બાબત તો નક્કી છે કે ગઠબંધન સરકાર બનવાની સ્થિતીમાં મોદીને વડાપ્રધાન પદ પર જોવા માટે ક્ષેત્રીય પક્ષો ઇચ્છશે નહીં. ભારતીય જનતા પાર્ટીને આક્રમક રીતે મેદાનમાં ઉતરીને હવે છેલ્લા તબક્કાની ચૂંટણીમાં બાકી રહેલી સીટો પર વધુને વધુ સીટો જીતવી પડશે. જો કે તેની પાસેથી વર્ષ ૨૦૧૪ જેવા દેખાવની અપેક્ષા દેખાઇ રહી નથી.