નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારી અને વ્યુહરચના ઘડવામાં લાગી ગયા છે. આ વખતની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી માટે પણ પડકારરૂપ રહી શકે છે. કારણ કે ભાજપની તાકાત દિન પ્રતિદિન વધી રહી છે. આના માટે કારણ એ છે કે પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમકરીતે બંગાળમાં ધ્યાન આપ્યુ છે. અનેક કાર્યક્રમ સતત યોજ્યા છે. મમતા બેનર્જી પોતે પણ માનવા લાગી ગયા છે કે ભાજપની સ્થિતી મજબુત થઇ રહી છે અને તે પડકાર ફેંકી શકે છે. જેથી પોતાની તૈયારીમાં લાગી ગયા છે.
રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની ભૂમિકાને મજબુત કરવામાં લાગેલા મમતા બેર્જી કિંગ મેકર તરીકે પણ રહી શકે છે. તેઓ માને છે કે લોકસભા ચૂંટણીમાં તે ભાજપ અને કોંગ્રેસ બાદ ત્રીજા સ્થાન પર રહે. આના માટે ખાસ રણનિતી પણ બનાવી રહ્યા છે. મમતા બેનર્જીએ આ વખતે ૩૪ વર્તમાન સાંસદો પૈકી આઠને ટિકિટ આપી નથી. જ્યારે બે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. સ્થાનિક મુદ્દા પર લોકોની નારાજગીથી બચવા માટે આને યોગ્ય ઉપાય તરીકે ગણવામાં આવી શકે છે. સત્તા વિરોધી લહેરથી બચવાના પ્રયાસ પણ મમતા દ્વારા કરવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જી ભાજપનો સામનો કરવા કેટલાક નવા કાર્ડ રમી રહી છે. જેના ભાગરૂપે આ વખતે ૪૦ ટકા કરતા વધારે ટિકિટ મહિલાઓને આપી છે. મહિલાઓને પોતાની તરફેણમાં કરવાના આ પ્રયાસને સફળ પ્રયાસ તરીકે ગણી શકાય છે. મમતા બેનર્જી પોતે માને છે કે ચૂંટણી મુશ્કેલ છે. ભાજપ સામે તેમની કસૌટી થઇ શકે છે. મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે જા માયાવતી અને અખિલેશ તેમને આમંત્રણ આપશે તો વારાણસીમાં મોદીની સામે પ્રચાર પણ કરશે.