નવી દિલ્હી : સીબીઆઇના વર્તન અને તેની કાર્યવાહી સામેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ ધરણા પ્રદર્શન જારી રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મમતા બેનર્જીએ ટૂંકા બ્રેક બાદ ધરણા પ્રદર્શન જારી રાખ્યા હતા. મમતા બેનર્જીને ત્રીજા દિવસે ધરણા પ્રદર્શનમાં મદદ કરવા માટે આંધ્રપ્રદેસના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત આરજેડીના નેતા તેજસ્વી પણ બંગાળ પહોંચ્યા હતા. અન્ય વરિષ્ઠ નેતાઓ પણ મમતાને મદદ કરવા માટે મંચ ઉપર પહોંચ્યા છે. સીબીઆઈ અને મમતા બેનર્જી સરકાર વચ્ચે ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ મેદાનમાં ઉતરી ગયા છે.
કેટલાક વિપક્ષી નેતાઓ મમતાની સાથે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ટીએમસી આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી છે. જોરદાર ખેંચતાણના કારણે બંગાળમાં રાજકીય ગરમી વધી ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે સતત ત્રીજા દિવસે પણ ધરણા પ્રદર્શન ઉપર રહ્યા હતા. મમતા બેનર્જીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, તેમની સરકારને ઉથલાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ધરણા ઉપર બેસવાની જાહેરાત કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું છે કે, બંધારણ બચાવો માટે ધરણા થઇ રહ્યા છે. કોલકાતાના મેટ્રો ચેનલની પાસે આ ધરણા યોજવામાં આવી રહ્યા છે. મમતાને ધરણા યોજવા બદલ અનેક વિપક્ષના નેતાઓ ટેકો આપી ચુક્યા છે જેમાં રાહુલ, ઓમર, અખિલેશ, તેજસ્વી, ચંદ્રાબાબુ, માયાવતી, શરદ પવાર અને કેજરીવાલનો સમાવેશ થાય છે.