નવીદિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારને પુછપરછ માટે સીબીઆઇની ટીમ સમક્ષ હાજર થવુ પડશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે પુછપરછ દરમિયાન કોલકત્તાના પોલીસ કમીશનરની અટકાયત અથવા તો ધરપકડ કરી શકાશે નહીં. સીજેઆઇના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની બેંચે આ મુજબનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના મામલામાં સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કોલકત્તાના પોલીસ કમીશનર, ડીજીપી અને પશ્ચિંમ બંગાળની સરકારને આદેશ કર્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ પ્રશ્ન કર્યો હતો કે આખરે કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારને પુછપરછમાં વાંધો શુ છે.
સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલે કહ્યુ હતુ કે પુરાવા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. સીટ દ્વારા ટીએમસી સાથે જોડાયેલા લોકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી નથી. આ સમગ્ર મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જોરદાર દલીલો થઇ હતી. બીજી તરફ બંગાળ સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વકીલ અને કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુહતુ કે સીબીઆઇ તપાસના નામ પર પોલીસ જવાનોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે ડીજીપી દ્વારા તપાસમાં સહકારની ખાતરી આપવામાં આવી હતી. સીબીઆઇ અને મમતા સરકારની વચ્ચે ખેંચતાણમાં સીબીઆઇની ટીમે ૧૪ પાનાની એફિડેવિટ રજૂ કરી હતી.શારદા અને રોઝવેલી કૌભાંડના મામલામાં તપાસને લઇને સીબીઆઈ અને પશ્ચિમ બંગાળ સરકાર આમને સામને આવી ચુકી છે. આ મામલો લોકસભામાં પણ ગુંજ્યો હતો. કોલકાતા પોલીસ કમિશનર અને સીબીઆઈની ટીમ વચ્ચે ખેંચતાણનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલો લોકસભામાં પણ છવાયેલો રહ્યો હતો. એકબાજુ સીબીઆઈની કાર્યવાહીનો વિરોધ કરીને વિપક્ષે જારદાર હોબાળો મચાવ્યો હતો. બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી ગૃહમંત્રી રાજનાથસિંહે સ્પષ્ટતા કરી હતી.
રાજનાથસિંહે કહ્યું હતું કે, સીબીઆઈના અધિકારીઓની સામે પ્રથમ વખત આ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. સીબીઆઈના અધિકારીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. તેમને બળજબરીપૂર્વક અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા. શારદા કૌભાંડનો ઉલ્લેખ કરતા રાજનાથસિંહે પોતાની વાતની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લાખો લોકોની કમાણીને આંચકી લેનાર કંપનીની સામે તપાસ કરવા સીબીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મંજુરી મળેલી છે. આ મામલામાં પુછપરછ માટે સીબીઆઈની ટીમ રવિવારના દિવસે રાજીવ કુમારના આવાસ ઉપર પહોંચી હતી. સીબીઆઈને રાજીવના આવાસ ઉપર પહોંચવાની જરૂર કેમ પડી તે અંગે પૂછવામાં આવતા રાજનાથસિંહે કહ્યું હતું કે, રાજીવ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા. સતત સમન્સ છતાં પુછપરછમાં હિસ્સો લેવાના બદલે બહાનાબાજી કરી રહ્યા હતા.