નવી દિલ્હી : ચૂંટણી પંચે આક્રમક કાર્યવાહી કરીને પશ્ચિમ બંગાળના મુખ્યધાન મમતા બેનર્જીના નજીકના ગણાતા ચાર આઇપીએસ ઓફિસરોની બદલી કરી નાંખી છે. આની સાથે જ બંગાળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પંચના આદેશ મુજબ સીબીઆઇની સામે ધરણા પ્રદર્શન વેળા મમતા બેનર્જીની સાથે મંચ પર નજરે પડી ચુકેલા પોલીસ કમીશનર અનુજ શર્માની પણ બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મમતા સરકારમાં આના કારણે ભારે ચકચાર મચી ગઇ છે. રાજ્ય સરકાર આ મામલે કાનુની વિકલ્પ પર વિચારણા કરી રહી છે. સાથે સાથે અન્ય વિકલ્પ પર પણ ચર્ચા ચાલી રહી છે. અનુજ શર્મા ઉપરાંત પંચે ત્રણ અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલી કરી નાંખી છે. સાથે સાથે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે જે ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમને ચૂંટણી સંબંધિત કોઇ જવાબદારી સોંપવામાં ન આવે.
બંગાળના મુખ્ય સચિવ મલય ડેના નામ પર લખવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે કહ્યુ છે કે બદલી માટેનો આદેશ તરત જ અમલી કરવામાં આવે તે જરૂરી છે. ચૂંટણી પંચે વિદ્યાનગરના પોલીસ કમીશનર જ્ઞાનવંત સિંહ, ડાયમંડ હાર્બરના એસપી એસ સેલ્વમુરુગન તેમજ બીરભુના એસપી શ્યામસિંહની પણ બદલી કરી નાંખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી
જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠાતબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.ચૂંટણી વેળા મમતા બેનર્જીની મુશ્કેલીમાં હવે વધારો થઇ ગયો છે. બદલીની અસર રહી શકે છે.