કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી સરકારને પુલવામા હુમલાના સંદર્ભમાં ગુપ્તચર માહિતી મળી હતી પરંતુ સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. કારણ કે, મોદી સરકાર જવાનોની શહીદી ઉપર રાજનીતિ કરવા માટે ઇચ્છુક હતી. તૃણમુલ કોંગ્રેસની કોર કમિટિની બેઠકને સંબોધતા મમતા બેનર્જીએ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી દૂર કરવાની વાત કરી હતી. મમતાએ દાવો કર્યો હતો કે, તૃણમુલ કોંગ્રેસ બંગાળમાં લોકસભાની તમામ ૪૨ સીટો ઉપર જીત મેળવશે.
મમતાએ કહ્યું હતું કે, આ પ્રકારનો હુમલો થઇ શકે છે તે અંગે પુરતી માહિતી હતી છતાં ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અમારા જવાનોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવી રહ્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણીમાં લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ટીએમસીના અયક્ષે લોકસભા ચૂંટણી પહેલા યુદ્ધને લઇને તોફાની માહોલ બનાવવાનો પણ આક્ષેપ કર્યો હતો. બેનર્જીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિચિત્રરીતે કામ કરી રહી છે. કેન્દ્રીયમંત્રીઓને પણ મહત્વપૂર્ણ નિર્ણયોના સંદર્ભમાં માહિતી હોતી નથી. સરકારને બે ભાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચલાવી રહ્યા છે.
જેમના હાથમાં નિર્દોષ લોકોના લોહી લાગેલા છે. બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બંગાળમાં અમારા પાર્ટી કાર્યકરોને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે લોકસભાની ચૂંટણીના ગાળા દરમિયાન ઇવીએમ સાથે ચેડા કરવામાં આવી શકે છે. આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો સમય આવી ગયો છે. જવાનોની શહીદી ઉપર રાજનીતિ રમવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપોનો મારો મારી રાખ્યો હતો.