નવી દિલ્હી: વિજય માલ્યા અને નિરવ મોદીના મામલામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા મુકવામાં આવેલા ગંભીર આક્ષેપોનો આજે સીબીઆઈએ જવાબ આપ્યો હતો. સીબીઆઈએ તમામ આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે વિજય માલ્યાના લુકઆઉટ સરક્યુલરમાં ફેરફાર કરવા અંગોનો નિર્ણય કોઈ એક અધિકારી દ્વારા લેવામાં આવ્યો ન હતો. તપાસ સંસ્થાએ કહ્યું છે કે તે વખતે વિજય માલ્યાને પકડી પાડવા માટે કોઈ નક્કર કારણો તેમની પાસે ન હતા.
સીબીઆઈએ આ નિવેદનમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ટ્વીટના જવાબ તરીકે આને ગણવામાં આવે છે. આજે જ રાહુલ ગાંધીએ સીબીઆઈના એક અધિકારી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે સીબીઆઈ જોઈન્ટ ડિરેકટર એકે શર્માએ માલ્યાના લુકઆઉટ નોટિસને બદલી નાખી હતી. જેના પરિણામ સ્વરૂપે વિજય માલ્યા ફરાર થવામાં સફળ રહ્યા હતા.
એકે શર્મા ગુજરાત કેડરથી અધિકારી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના વિશ્વાસુ તરીકે છે. નિરવ મોદી અને મેહુલ ચોક્સીને ભગાડી દેવામાં પણ તેમની ભૂમિકા હોવાના આક્ષેપ કરવામાં આવી ચુક્યા છે. વિજય માલ્યાના મામલામાં સીબીઆઈએ કહ્યું છે કે પહેલા પણ આવું બની ચુક્યું છે અને પહેલા પણ કહેવામાં આવ્યું છે કે લુકઆઉટ સરક્યુલરમાં ફેરફાર કરવાનો નિર્ણયમાં કેટલાક કારણ હતા. કારણ કે તે વખતે અમારી પાસે તેમની ધરપકડ કરવા માટે કોઈ નક્કર તારણ ન હતા. જેવા આક્ષેપ થઈ રહ્યા છે તે મુજબ કોઈપણ અધિકારીએ આ અંગે નિર્ણય લીધો ન હતો. આ નિર્ણય સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો હતો. પીએનબી કૌભાંડના મામલામાં સીબીઆઈએ કહ્યું છે કે જ્યારે આ કૌભાંડ અંગે સંસ્થાને કહેવામાં આવ્યું ત્યાં સુધી નિરવ મોદી અને મેહુલ ચોકસી ફરાર થઈ ચુક્યા હતા.