લંડન : ફરાર કારોબારી અને બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાના મામલામાં સુનાવણી કરી રહેલી બ્રિટનની કોર્ટે ત્રણ સપ્તાહની અંદર મુંબઇના આર્થર રોડ જેલની બેરેકનો વિડિયો આપવા માટે ભારતીય અધિકારીઓને આદેશ કર્યો છે. એમ માનવામાં આવે છે કે વિજય માલ્યાને પ્રત્યાર્પણ કરીને ભારતને સોંપી દેવામાં આવ્યા બાદ તેમને આ બેરેકમાં જ રાખવામાં આવનાર છે. સાથે સાથે કોર્ટે આ હાઇ પ્રોફાઇલ પ્રત્યાર્પણ સુનાવણીમાં અતિમ દલીલો રાખવાની તારીખ ૧૨મી સપ્ટેમ્બર નક્કી કરી છે.
બ્રિટીશ જજ એમ્મા આરબથનોટે દલીલોની સુનાવણી દરમિયાન ત્રણ સપ્તાહની અંદર આર્થર રોડ જેલની બેરક નંબર ૧૨નો વિડિયો આપવા માટે ભારતીય અધિકારીઓને આદેશ કર્યો હતો. ૬૨ વર્ષીય માલ્યા હાલમાં કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આર્થર રોડ જેલમાં કેદીઓની સારવાર માટેની તમામ સુવિધા આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાનુ જાણવા મળી રહ્યુ છે. બીજી બાજુ માલ્યાએ કહ્યુ છે કે તેમના ઉપર મુકવામાં આવેલા મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આક્ષેપો આધારવગરના છે.
વિજય માલ્યાને પ્રત્યાર્પણના મામલામાં જામીન આપવામાં આવ્યા છે. આ મામલાની આગામી સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. માલ્યા ભારતમાં છેતરપિંડીના આરોપોમાં વોન્ટેડ રહેલા છે. કિંગફિશર એરલાઈન્સના પૂર્વ માલિક વિજય માલ્યા દ્વારા છેતરપિંડી અને આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના આરોપોમાં પ્રત્યાર્પણના ભારતના પ્રયાસો સામે લડત ચલાવવામાં આવી રહી છે. માલ્યા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ધરપકડ બાદથી જામીન ઉપર છે.
ગઇકાલે માલ્યા પોતાના પુત્ર સિદ્ધાર્થની સાથે કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણીથી પહેલા કહ્યું હતું કે, આ સંદર્ભમાં અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા જ કરવામાં આવશે. ૭મી એપ્રિલના દિવસે છેલ્લી સુનાવણી દરમિાયન કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈને તે વખતે સફળતા મળી હતી જ્યારે જજ આરબ થનાટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારતીય અધિકારીઓ દ્વારા જે પુરાવા સોંપવામાં આવ્યા છે તે મામલામાં સ્વીકાર્ય રહેશે.