સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર મેળવનાર એવી મલાલા યુસુફઝાઇ આજે ભાવભીના સ્વાગત વચ્ચે પોતાના વતન પાકિસ્તાન પરત આવી હતી. પાંચ વર્ષ પહેલાં મહિલા શિક્ષણ માટે પ્રયાસો કરતી મલાલાને તાલીબાનોએ માથામાં ગોળી મારી હતી. તેના આગમનના થોડા સમય બાદ જ માનવાધિકારની કાર્યકર્તા મલાલાએ વડા પ્રધાન શાહીદ અબ્બાસ ખાકાનની તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને મલાલાનું પોતાના દેશમાં સ્વાગત કર્યું હતું.
ઉલ્લખેનીય છે કે ૨૦ વર્ષની મલાલાને પાકિસ્તાનની સ્વાત ખીણમાં ૨૦૧૨માં મહિલા શિક્ષણ માટે પ્રચાર કરવા ગઇ હતી ત્યારે તેને ગોળી મારી હતી. પાકિસ્તાનમાં માતા-પિતા સાથે આવેલી મલાલાને ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બેનઝીર ભુટ્ટો એરપોર્ટ પરથી બહાર લાવવામાં આવી હતી. એણે પાકિસ્તાની સલવાર અને કમીઝ પહેર્યા હતા અને માથે ઓઢણી ઓઢી હતી. મલાલા એરપોર્ટમાં ખૂબ જ ખુશ દેખાતી હતી અને અનેક લોકોને હસતા મોઢે મળી હતી.
સુરક્ષાના કારણોસર તેના ચાર દિવસની રોકાણના કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. મલાલા ફંડના વડા પણ તેમની સાથે જ આવ્યા છે અને પાક.માં યોજાનારા ‘મલાલાને મળો’ કાર્યક્રમમાં ભાગ લેશે.