કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા મોટા વિસ્ફોટને કારણે પ્રાથમિક માહિતી અનુસાર 12 લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ અંગરક્ષકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે હક્કાની ખોસ્તથી આવતા લોકોના સમૂહને હોસ્ટ કરી રહ્યો હતો. તાલિબાન સરકારે ‘ધ ખોરાસાન ડાયરી’ સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે.
હાલમાં આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કરાવ્યો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે તેને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઑગસ્ટ 2021 માં તાલિબાન જૂથ સત્તા પર પાછા ફર્યા પછી તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ રહેમાન હક્કાનીને શરણાર્થીઓ માટે કાર્યકારી પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.