અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે ૫.૪૫ વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. બોટથી સજ્જ બે બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
મીડિયા સુત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં આવેલ શકરી તળાવમાં આજે એક સાથે ચાર યુવકો ડૂબ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ત્વરિત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી છે અને યુવકોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
તાજેતરની માહિતી મુજબ, ફાયર વિભાગની ટીમ દ્વારા ૪ પૈકી બે યુવકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે પરંતુ, અન્ય એક યુવક ન મળતા તેની શોધખોળ હાલ પણ ચાલું છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી આદરી છે. આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન જાેવા મળ્યું છે.
ઘટનાનું કારણ અસ્પષ્ટ છે, અધિકારીઓએ હજુ સુધી ખાતરી કરી નથી કે યુવકો તળાવમાં કેવી રીતે પ્રવેશ્યા. પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્ણ થયા પછી અને પીડિતોની ઓળખ કરાશે. ત્યારબાદ વધુ વિગતોની પુષ્ટિ કરવામાં આવશે.