મહાવીર સ્વામી, જેઓ જૈનોની વર્તમાન ચોવીસીના અંતિમ તીર્થંકર ગણાય છે, તેમનું મૂળભૂત નામ વર્ધમાન હતું. ઈ.સ. પૂર્વે 599-527 નો સમય તેમનો ગણાય છે. તેમનો જન્મ બિહારના વૈશાલી જિલ્લામાં કુંડલગ્રામ ખાતે થયો હતો. તેમની માતા ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું.
આ હતો મહાવીરનો ઈતિહાસ, હવે વાત કરીએ વર્તમાનની.
શુ આપણે મહાવીરને માનીએ છીએ…શુ આપણે તેના સિદ્ધાંતોને સ્વીકારીએ છીએ….
ના, આપણે ફક્ત મહાવીરને પૂજીએ છીએ.
તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
તમામ લોકોમાં આજે ભગવાન બનવાની હોડ લાગી છે, પણ શુ એ ભગવાન બનવા માટે જ રસ્તે ચાલવાનું છે, એના માટે તેમની કોઈ તૈયારી છે ખરી… મહાવીરના જીવનની વાત કરીએ તો તેમણે અસહ્ય ઊપસર્ગો સહન કર્યા છે, તેનો સામનો નથી કર્યો જ્યારે આપણે ઊપસર્ગો સાથે હિંસાથી જ વાત કરવામાં માનીએ છીએ. જેમકે ટ્રાફિકમાં ભુલેચૂકે બાજુવાળા માણસની ગાડી આપણા વ્હિકલથી થોડી નજીકથી જતી રહે અથવા અડી જાય તો તરત જ આપણા ભવાં ઊંચા થઈ જશે. મહાવીરે ત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો. બાર વર્ષો સુધી તેઓએ વિચરણ કર્યુ અને સંયમી જીવન થકી પોતાના કર્મો ખપાવ્યાં અને એ પછીના બાર વર્ષનો સમય આત્મચિંતન અને ધ્યાનમાં ગાળ્યો. સંયમી જીવન દરમિયાન તેમણે સંગમદેવના ઊપસર્ગ સહન કર્યા. ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા, તેમના પગ પર અગ્નિ પ્રગટાવી ખીર રાંધી પણ તે તમામ ભૂલીને તેમને માફ કર્યા. બુજ્ઝ બુજ્ઝ ચંડકૌશિયા… ફક્ત આટલા શબ્દો થકી ચંડકૌશિક નામના ભયાનક સર્પને પણ કલ્યાણના માર્ગે વાળી દીધો. વ્યક્તિ માત્ર સહિત, પશુ, પક્ષી અને વનસ્પતિ તમામ જીવોનું જતન કરતા કરતા આત્મ કલ્યાણના માર્ગે ચાલ્યા. વસ્ત્રો સહિત તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી સર્વ કષાયોમાંથી મુક્ત થયા અને વિતરાગમય જીવન જીવ્યા. સાધના અને તપ દ્વારા પોતાની તમામ ઈન્દ્રિયો પર કાબૂ મેળવ્યો અને કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, મમતા, મોહ, માયા – આ તમામ પર વિજય પ્રાપ્ત કર્યો. આધ્યાત્મિક જીવનમાં આવા વીરતાભર્યા જીવનને લીધે સમગ્ર બ્રહ્માંડ તેમને મહાવીર તરીકે ઓળખે છે. આધ્યાત્મિક સફરનો આ એ સુવર્ણકાળ હતો જ્યારે તેમની સાધના,તપ અને ધ્યાન ચરમસીમાએ હતા અને સંધ્યાકાળને સમયે તમને સાલ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમય દરમિયાન અને એ પછી પણ તેઓનું ભ્રમણ ચાલુ જ રહ્યું. પોતાના લગભગ 3,70,00,000 શિષ્યો સાથે પોતાના શિષ્ય ગૌતમ સ્વામીના નેતૃત્વમાં તેમણે દેશનાઓ આપી, જેના પરિણામે તત્વજ્ઞાન અને ધર્મના ફેલાવા થકી જૈન ધર્મ ચોમેર ફેલાયો.
મહાવીર બનતા પહેલા માણસે વર્ધમાન બનવું જરૂરી છે. જો આપણામાં કોઈની વાત સાંભળવા જેટલી પણ સહનશક્તિ નથી તો આપણે વર્ધમાન પણ બનવાને લાયક નથી. મહાવીરે હંમેશા અહિંસા અને શાંતિ થકી જીતવાનું શીખવ્યું છે કારણ કે કદાચ દુનિયા જીતવા તો તમામ લોકો નીકળે છે, પણ યાદ તો એ જ રહે છે લોકોના દિલ જીતી લે. 72 વર્ષ અને સાડા ચાર માસની વયે, આસો વદ અમાસના દિવસે બિહારમાં પાવાપુરી ખાતે તેઓ નિર્વાણ પામ્યા.
મહાવીર બનતા પહેલા તેઓના 26 પૂર્વભવ હતા, જે બાદ તેઓએ તીર્થંકર ગોત્ર બાંધ્યું. એ ભવો છે –
- નયસાર (ગામના સરપંચ હતા, જૈન સાધુનો ઊપદેશ સાંભળી અર્ધઆત્મજ્ઞાન મેળવ્યું)
- દેવ – પ્રથમ સુધર્મ દેવલોક
- મરીચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભદેવના પૌત્ર
- દેવ – પાંચમો બ્રહ્મ દેવલોક
- કૌશિક – બ્રાહ્મણ
- પુષ્યમિત્ર – બ્રાહ્મણ
- દેવ – પ્રથમ સૌધર્મ દેવલોક
- અગ્નિદ્યોત – બ્રાહ્મણ
- દેવ – ઈશાન દેવલોક
- અગ્નિભૂતિ – બ્રાહ્મણ
- દેવ – ત્રીજો સૌધર્મ દેવલોક
- ભારદ્વાજ – બ્રાહ્મણ
- દેવ – ચોથો મહેન્દ્ર દેવલોક
- સ્થવિર – બ્રાહ્મણ
- દેવ – પાંચમો બ્રહ્મલોક
- રાજકુમાર વિષ્ણુભૂતિ
- દેવ – સાતમો દેવલોક
- ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
- નારક – સાતમી નારકી
- સિંહ
- નારક – ચોથી નારકી
- માનવ અવતાર – નામની માહિતી અપ્રાપ્ય
- રાજા પ્રિયમિત્ર – સાત ખંડના ચક્રવર્તી રાજા
- દેવ – સાતમુ મહાશુક દેવલોક
- નંદન રાજકુમાર – આ ભવમાં તીર્થઁકર ગોત્ર બંધાયું.
- દેવ – દસમું પ્રણત દેવલોક
- મહાવીર – અંતિમ ભવ ( હવે પ્રભુનો મોક્ષ થયો અને તેઓને અરિહંતની પદવી મળી)