નવી દિલ્હી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમના હત્યારા નાથુરામ ગોડસેને લઇને ભાજપ નેતાઓની સતત ટિપ્પણીના મામલામાં પાર્ટી હવે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે પાર્ટીએ નાથુરામ ગોડસે અંગે નિવેદન કરનારાઓની નિંદા કરી છે. ભાજપે કઠોર નિર્ણય કરીને મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા દર્શાવનાર મધ્યપ્રદેશના પાર્ટી પ્રવક્તા અનિલ સૌમિત્રની હકાલપટ્ટી કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશના પ્રવક્તા અને મિડિયા સેલના વડા અનિલ સૌમિત્રને તમામ પદોથી દૂર કરી દીધા છે.
સૌમિત્રએ પોતાના ફેસબુક પોસ્ટમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા પરંતુ પાકિસ્તાન દેશના રાષ્ટ્રપિતા હતા. ભારત રાષ્ટ્રમાં તો તેમના જેવા કરોડો પુત્ર થયા છે અને સાથે સાથે ભાજપે તેમને સાત દિવસની અંદર જવાબ આપવા માટે પણ સૂચના આપી છે. ગાંધીજીના સંદર્ભમાં કોઇ ટિપ્પણી ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પ્રજ્ઞાની જોરદાર નિંદા કરાઈ ચુકી છે.