શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર જાજા દિવસોની મહેમાન નથી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે લાંબા સમય સુધી ટકશે નહીં, એવું જાલના જિલ્લાના બદનાપુરમાં શિવ સંવાદ યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરે દાવો કર્યો હતો. રાજ્યમાં નવી સરકારના ગઠન પછી નિરંતર આદિત્ય ઠાકરે સરકારની ટીકા કરવાની સાથે હંમેશાં એક જ વાતનું રટન કરતા કહે છે નવી સરકાર વધુ ટકશે નહીં. બદનાપુર ખાતે ફરી એક વખત આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકો સારી રીતે જાણે છે કે અહીંયા ગેરબંધારણીય સરકારનું ગઠન થયું છે, તેથી આ સરકાર વધારે દિવસ ચાલશે નહીં અને ટૂંક સમયમાં પડશે.
આદિત્ય ઠાકરેનું આ નિવેદન ૧૪ ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટ દ્વારા શિવસેનાના ૧૬ બળવાખોર વિધાનસભ્યને અયોગ્ય ઠેરવવા સંબંધિત કેસની સુનાવણી પહેલા કરવામાં આવ્યું છે. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે જૂન મહિનામાં શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કરીને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ (મહા વિકાસ આઘાડી)ની સરકાર સામે બળવો કરીને સરકારનું પતન કર્યું હતું. શિવસેનાના અમુક વિધાનસભ્ય અને સાંસદોને તોડીને નવી સરકારનું ગઠન કર્યું હતું.