મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ બાબતો યોગ્યરીતે આગળ વધી રહી નથી. ભાજપ અને શિવસેના ગઠબંધન વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા નથી. એમ માનવામાં આવે છે કે, મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીને લઇને ચાલી રહેલી ભાજપ અને શિવસેના વચ્ચેની બેઠકોમાં મતભેદો સપાટી ઉપર આવી રહ્યા છે. આને ધ્યાનમાં લઇને ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૮૮ સીટો ઉપર સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે આ પગલું એવા સમયમાં ઉઠાવ્યું છે જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની પ્રક્રિયા વધુ તીવ્ર બનાવી દીધી છે.
મહારાષ્ટ્ર ભાજપે એવી વિધાનસભા સીટો માટે પણ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા છે જ્યાં હજુ સુધી શિવસેનાના ઉમેદવારો મેદાનમાં ઉતરતા રહ્યા છે. આવી સ્થિતિમાં આ અંગેના અહેવાલ પણ આવી રહ્યા છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડી શકે છે. માનવામાં આવે છે કે, ભાજપે આ પગલું શિવસેના ઉપર દબાણ વધારવા માટે લીધું છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે કોઇ સમજૂતિ થઇ શકી નથી. પહેલા ૫૦-૫૦ની ફોર્મ્યુલા ઉપર ચર્ચા કરવામાં આવી ચુકી છે પરંતુ માનવામાં આવે છે કે, આ બેઠકોની વહેંચણીની યોગ્ય ફોર્મ્યુલા દેખાઈ રહી નથી. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બંને પાર્ટીઓએ સીટો ઉપર સહમતિ નહીં થવાના કારણે અલગ અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
ભાજપ તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે, તે રાજ્યની કુલ ૨૮૮ વિધાનસભા પૈકી ૧૩૫થી વધારે સીટોની માંગ કરી શકે છે. કેટલાક ક્ષેત્રીય પક્ષોને સામેલ કરીને ગઠબંધન બનાવવા માટે ભાજપ અને શિવસેના બંનેને ૧૩૫-૧૩૫ સીટો પર સહમતિ દર્શાવવાની જરૂર પડશે. બાકીની ૧૮ સીટો અન્ય નાના પક્ષોને આપી શકાય છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ રહેલા ધારાસભ્યો અને ટિકિટના દાવેદારોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઇને ભાજપ ૧૩૫ સીટના ક્વોટા ઉપર ટકી રહે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
ભાજપના આંતરિક સુત્રોનું કહેવું છે કે, ભાજપને ઓછામાં ઓછી ૧૫૦ સીટોની જરૂર રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીની પાસે ૧૨૨ ધારાસભ્યો છે. સાથે સાથે છ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ તેને મળેલું છે. કોંગ્રેસ અને એનસીપીમાંથી ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જાડાઈ જવાનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે. આની સાથે જ ભાજપના હાલ ૧૩૨ ધારાસભ્યો છે. વિધાનસભામાં ભાજપની વર્તમાન તાકાતને ધ્યાનમાં લઇને ૧૩૫ સીટની ફોર્મ્યુલા પર આગળ વધવાની બાબત ભાજપ માટે સરળ દેખાઈ રહી નથી.