મદ્રાસ હાઈકોર્ટે ખૂબ જ અનોખો ચુકાદો આપ્યો છે. વાયુસેનાના સેવાનિવૃત્ત પાયલટ અને તેમની પત્નીના પુત્રએ તેમની સાથે ખૂબ જ હ્રદયહીન વ્યવહાર કર્યો હતો. આ હ્રદયહીન વ્યવહારને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઈકોર્ટે પુત્ર સાથે કરેલ સમજૂતીને રદ્દ કરવાની મંજૂરી આપી છે. ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી. ટી. આશાએ ૨૭ સપ્ટેમ્બરના રોજ આ અનોખો ચુકાદો આપ્યો હતો. આ ર્નિણયમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પુત્રના કર્તવ્યને ઉજાગર કરવા માટે પ્રસિદ્ધ તમિલ કવિ તિરુવલ્લુવરનું આહ્વાન કર્યું હતું. હાઈકોર્ટે તિરુવલ્લુવરના એક દોહાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, ‘એક પુત્રનું વર્તન જોઈને આસપાસના લોકો પિતાની પ્રશંસા કરે છે અને કહે છે કે, પિતાએ આ પ્રકારના પુત્રને પેદા કરવા માટે ખૂબ જ તપસ્યા કરી હશે.
એક પિતાએ તેના પુત્રને ઈમેઈલ કરીને અસહાયતા વ્યક્ત કરી હતી. જેમાં તેમણે તેમના પુત્રને સવાલ કર્યો હતો કે, ‘શું મારે વૃદ્ધાશ્રમ જવું જોઈએ?ન્યાયાધીશે જણાવ્યું કે, અરજીકર્તા પિતા એન. નાગરાજન અને તેમની પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના બે પુત્રએ તેમની સારસંભાળ રાખવાની ના પાડી દીધી હતી અને પોતાના ઘરેણા વેચવા માટે તથા પેન્શનનો ઉપયોગ કરવા કહ્યું હતું. આ રકમથી માતા-પિતાને સારવારનો ખર્ચ ચૂકવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ કારણોસર ન્યાયમૂર્તિ આશાએ અરજીને મંજૂરી આપી છે. માતા-પિતાએ નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને અરજી કરી હતી.
નીચલી અદાલતે સંપત્તિ વિવાદમાં મોટા પુત્રના પક્ષમાં ર્નિણય કર્યો હતો. ન્યાયાધીશે જણાવ્યું કે, અરજીકર્તા પિતા આ સમજૂતીને રદ્દ કરી શકે છે અને નકારી પણ શકે છે. વર્ષ ૨૦૧૨માં અરજીકર્તા પિતાએ બે પુત્રના પક્ષમાં સંપત્તિ આપી દીધી હતી, ત્યારબાદ બંને પુત્રોએ તેમની સારસંભાળ લેવાની ના પાડી દીધી હતી. હાઈકોર્ટે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ ૨૦૦૭ હેઠળ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઉંમર વધે ત્યારે મેડ્રિડ ઈન્ટરનેશનલ પ્લાન ઓફ એક્શન પર સહી કર્યા બાદ અધિનિયમ હેઠળ આવતો એક વિશેષ કાયદો સંપત્તિના હસ્તાંતરણ સહિત ભારતમાં લાગુ થયેલ અન્ય તમામ સામાન્ય કાયદાઓને ઓવરરાઈડ કરે છે.