ગઈકાલે મદ્રાસ હાઈકોટે સોશિયલ મીડિયા પોસ્ટની બાબતે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તમે બીજા કોઈની પોસ્ટ ફોરવર્ડ કે શેર કરો છો તો એનો અર્થ એ થાય કે તમે એમાં સહમત છો. સોશિયલ મીડિયામાં લોકો બીજા કોઈએ લખેલી પોસ્ટ અન્યને ફોરવર્ડ કરતા હોય છે અથવા તો શેર કરતા હોય છે. એમાં ‘ફોરવર્ડેડ’ એવું લખીને મોટાભાગના યુઝર્સ એ પોસ્ટથી અંતર પણ રાખી લેતા હોય છે.
જે તે પોસ્ટ માત્ર તેણે શેર કરી છે અને તેમાં સહમત છે કે નહીં તેનો કોઈ ખુલાસો કરવાનો રહેતો નથી. પણ મદ્રાસ હાઈકોર્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્દેશ આપતા કહ્યું હતું કે જે સોશિયલ મીડિયા પોસ્ટ તમે ફેસબુક-ટ્વિટરમાં શેર કરો છો કે વોટ્સએપ જેવા મેસેજિંગ એપમાં ફોરવર્ડ કરો છો એનાથી તમે ફોરવર્ડેડ પોસ્ટ હતી એમ કહીને હાથ ખંખેરી શકો નહીં. જે પોસ્ટ તમે શેર કરી છે તેનો અર્થ એવો થાય કે તમે એમાં સંપૂર્ણપણે સહમત છો.
મદ્રાસ હાઈકોર્ટે આ અવલોકન તમિલનાડુના ભાજપના નેતાના કેસના સંદર્ભમાં કર્યું હતું. ભાજપના નેતા એસ.વી. શેખરે એક પોસ્ટ તેના ફેસબુક એકાઉન્ટમાં શેર કરી હતી. એ પોસ્ટમાં તમિલનાડુના એક મહિલા પત્રકાર વિશે ખૂબ જ અપમાનજનક ટીપ્પણી કરવામાં આવી હતી. એ મહિલા પત્રકારને તમિલનાડુના ટોચના લોકો સાથે અનૈતિક સંબંધો છે એવું પણ એ પોસ્ટમાં લખાયું હતું. એ પોસ્ટ શેખરે ફેસબુક ઉપર શેર કરી પછી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. એ પછી શેખર વતી એવી દલીલ રજૂ કરાઈ હતી કે તે પોસ્ટ તેણે માત્ર શેર કરી હતી ને એમાં તે સહમત છે એવું ક્યાંય કહેવાયું નથી,
પણ હાઈકોર્ટે એ દલીલને ફગાવી દેતા કહ્યું હતું કે જે પોસ્ટ કોઈ યુઝર શેર કરે છે તેનો અર્થ એ જ થાય તે એ પોસ્ટ સાથે તે સહમત છે. કોર્ટે નેતાને ટકોર કરતા કહ્યું હતું કે સેલિબ્રિટી કે જાહેરજીવનના લોકો કોઈ વિશે આવું લખે કે શેર કરે તો સામાન્ય લોકો એને માની લેતા હોય છે. વર્તન કરતા શબ્દો વધુ શક્તિશાળી પૂરવાર થતા હોવાથી મદ્રાસ હાઈકોર્ટે શબ્દો સમજી વિચારીને પ્રયોજવાની સલાહ આપી હતી.