એક અનોખી પહેલમાં ગુજરાતના માધવપુરના મેળાની સાથે હવે પૂર્વોત્તરને સાંકળીને ભારતનાં સૌ પ્રથમ સાંસ્કૃતિક સમન્વયનો પ્રારંભ થશે. એમ કહેવાય છે કે તેનાથી પેઢીઓનું મિલન થશે. નવી દિલ્હીમાં આ અંગે પત્રકારોને માહિતી આપતાં રાજ્યકક્ષાનાં સાસંકૃતિક મંત્રી ડૉ. મહેશ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં પોરબંદર જિલ્લાનાં માધવપુર ઘેડ ખાતે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 25થી 28મી માર્ચ 2018 દરમિયાન માધવપુર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ચાર દિવસ ચાલનારા આ ઉત્સવમાં અરૂણાચલ પ્રદેશ, મણિપુર અને પૂર્વોત્તર રાજ્યોનાં કલા, સંગીત, નૃત્ય, નાટ્ય, કાવ્ય, વાર્તા અને લોક સાહિત્યનું પ્રદર્શન યોજાશે અને તેનો હેતુ આ બે પ્રાંતોની ભવ્ય સંસ્કૃતિનો સમન્વ કરવાનો છે.
ગુજરાતના માધવપુર ઘેડ અરૂણાચલ પ્રદેશનાં મિશામી જાતિ સાથે જોડાણ ધરાવે છે. મિશામી જાતીનાં લોકો રાજા ભિષ્મક, તેમની પુત્રી રૂકમણી અને ભગવાન કૃષ્ણના વંશજો મનાય છે. ભગવાન કૃષ્ણ સાથે રૂકમણી અરૂણાચલ પ્રદેશથી ગુજરાત આવ્યા હતા તે યાદગાર યાત્રાની આ મેળામાં પહેલી વાર ઉજવણી કરાશે તેમ ડૉ. મહેશ શર્માએ જણાવ્યું હતું. કલિકા પુરાણમાં પણ દિબાંગ જિલ્લાના રોવિંગ નજીકના ભિષ્મકનગરનો ઉલ્લેખ થયેલો છે.
એક નાનકડા પરંતુ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ ગામ એવા માધવપુર ઘેડમાં માન્યતા પ્રમાણે ભગવાન કૃષ્ણએ રાજા ભિષ્મકની પુત્રી રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. પોરબંદર નજીકના દરિયા કાંઠે માધવપુર ગામ આવેલું છે. આ સ્થળે 15મી સદીનું માધવરાયનું મંદીર છે. દર વર્ષે રામ નવમીથી શરૂ થતાં સાંસ્કૃતિક મેળાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાનારો છે. સામાન્ય રીતે આ તહેવાર પાંચ દિવસ ચાલતો હોય છે. આ વર્ષે સાંસ્કૃતિક મંત્રાલય અને ગુજરાત સરકાર સંયુક્તપણે આ તહેવારની ઉજવણીનું આયોજન કરી રહ્યાં છે.
માધવપુરના મેળામાં પહેલી વાર પૂર્વોત્તર અને ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને મણીપુરની સંસ્કૃતિનું પ્રદર્શન જોવા મળશે. આસામથી આવેલું ગ્રુપ ત્યાંનું સુપ્રસિદ્ધ લોકનાટ્ય રૂકમણી હરણ ભજવશે. મણિપુરનું સંગીત ટુકડી ખુલોંગ ઇશેઈ અને નટ જાતિમાં પ્રખ્યાત રૂકમણીનાં ગીતોનું ગાન કરશે. અરૂણાચલ પ્રદેશ અને મણિપુરના દિગ્ગજ કલાકારો રૂકમણી-કૃષ્ણનાં નાટકો અને અરૂણાચલ પ્રદેશની ઇદુ મિશામી જાતિના નૃત્યો રજૂ કરશે.
ડૉ. મહેશ શર્માએ જણાવ્યું હતું કે આ સમન્વયનો હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં દ્રષ્ટિકોણ મુજબ દેશના વિવિધ ક્ષેત્રોને અને ખાસ કરીને પૂર્વોત્તરને અન્ય ક્ષેત્રો સાથે સાંસ્કૃતિક રીતે સાંકળવાનો છે.
આ કાર્યક્રમનાં ભાગરૂપે ગુજરાતની કલા અને કારીગરી તથા અરૂણાચલ પ્રદેશ અને મણિપુર અને પૂર્વોત્તરના રાજ્યોના હેન્ડલૂમ અને હસ્તકલા કારીગરીની ચીજોનું વેચાણ તથા પ્રદર્શન પણ યોજાશે. કૃષ્ણ અને રૂકમણીના વિઝ્યુઅલ આર્ટનું પ્રદર્શન પણ સાંસ્કૃતિક મંત્રાલયના વિવિધ વિભાગો સાથે મળીને કરવામાં આવશે, જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સંગ્રહાલયનો સમાવેશ થાય છે જે આ હેતુ માટે કૃષ્ણ અને રૂકમણીના કલાત્મક ઇતિહાસની રજૂઆત કરશે.