અર્બુદા માતાનો ઇતિહાસ જાણવા જેવો રહ્યો છે….

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અર્બુદા માતાનો પૌરાણિક ઇતિહાસ જાણવા જેવો :

અર્બુદા માતાજીની પૌરાણિક કથા વર્ણવતાં અર્બુદ ટેમ્પલ કમીટીના સભ્યો ધ્રુવ પુરોહિત અને સુરેશભાઇ પુરોહિતે જણાવ્યું કે,જગત જનનીના પિતાશ્રી દક્ષ પ્રજાપતિએ જયારે મહાયજ્ઞનુ આયોજન કર્યું ત્યારે માતાજીએ જોયું કે તમામ દેવોને આમત્રણ આવેલ છે. પરંતુ તેમના પતિદેવ દેવાધિદેવ શંકર ભગવાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ માટે માતાજીએ અપમાનની લાગણી અનુભવીને પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી. જેનાથી હાહાકાર મચી ગયો. દેવાધિદેવ શિવજીને જાણ થતાં તેઓ યજ્ઞ સ્થળે આવ્યા અને અત્યંત ક્રોધિત થઈને માતાજીના દેહને લઈને બ્રહ્માંડમાં ફરવા લાગ્યા. શિવજીનો ક્રોધ જોઈને દેવો ખુબ જ ચિંતાગ્રસ્ત થયા એટલે શ્રી વિષ્ણુ ભગવાને શિવજીના ક્રોધને શાંત કરવા માટે બ્રહ્માંડમાં સુદર્શન ચક્ર ફેક્યું જેનાથી માતાજીના પવિત્ર દેહના ૫૧ ટુકડા થઈ બ્રહ્માંડમાં અનેક જગ્યાએ પડ્‌યા.

માતાજીનું હ્‌દય અંબાજી મુકામે પડ્‌યું જેને આપણે આજે અધિશક્તિ અંબાજીમાં તરીકે પૂજીએ છીએ. એ જ પ્રમાણે માતાજીના અધર એટલે કે હોઠ અરાવલીની પર્વતમાળાના આબુપર્વત ઉપર પડ્‌યા જેને આપણે અર્બુદાજી અથવા અધરદેવી તરીકે પૂજીએ છીએ. આદ્યશક્તિ માઁ અર્બુદા ગોમતીવાળ સમાજ અને ૩૦ થી વધુ જ્ઞાતિની કુળદેવી છે.

જયોતયાત્રા કયા રૂટ પર ફરશે ?

   તા.૨૯મી જાન્યુઆરીના રોજ વિજય મુહુર્તમાં માઉન્ટ આબુથી જ્યોત યાત્રાપરિભ્રમણની શરૂઆત કરવામાં આવશે, જે ખેડબ્રહ્મા, હિમતનગર, રણાસણ, પુંસરી, આમોદરા, નવી શિનોલ, જૂની શિનોલ, શામપુર, મોડાસા, સાઠંબા, આંબલીયારા, ડાભા, ઝેર નરસીપુર, કપડવંજ, કઠલાલ, નરોડા, અમદાવાદ, ચાંદખેડા, નારણપુરા, સોલા, થલતેજ, બોપલ, વાસણા, મણીનગર, વસ્ત્રાલ થઇને તા.૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ મહેમદાવાદ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે મા અર્બુદાધામ પહોંચશે. જ્યોત યાત્રા દરમિયાન માતાજીની પાલખીની પધરામણીની સેવા પણ કરવામાં આવશે તેમજ જે ગામમાં માતાજી રાત્રે રોકાણ કરશે ત્યાં ભજન, સત્સંગ, ગરબા અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.

Share This Article