અમદાવાદઃ રાજય સરકારની મહત્વાકાંક્ષી મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડની યોજના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોમાં ભારે લોકપ્રિય અને આશીર્વાદ સમાન બની રહી છે પરંતુ ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ કઢાવવામાં ઘણી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોય છે તે વાત ત્યારે સામે આવી જયારે નારણપુરા વોર્ડમાં ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા આ વિસ્તારના સ્થાનિક નાગરિકોને વિનામૂલ્યે સહાયના ભાગરૂપે મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાની ઝુંબેશ શરૂ કરાઇ.
ખુદ રાજયના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે તેમના નારણપુરાના વિધાનસભા મતવિસ્તારના લોકોને મહત્તમ આરોગ્ય વિષયક સેવાનો લાભ મળી રહે તે હેતુથી મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ કઢાવી આપવાની ખાસ ઝુંબેશ અંગે સૂચના અપાઇ હતી. મહેસૂલમંત્રીનો ઉદ્દેશ ઘણો સારો અને ઉમદા છે કે, સરકારની આ બહુમૂલ્ય સેવા આપતી મા અમૃતમ્ યોજનાનો લાભ તેમના વિસ્તારના મહત્તમ લોકો સુધી પહોંચે પરંતુ જયારે આ કાર્ડ કાઢવાની ઝુંબેશ હાથ ધરાઇ ત્યારે લોકો તેમની અનેક તકલીફો અને સમસ્યાઓ લઇને આવ્યા, જેને પગલે તેમની મદદ માટે બેઠેલા ભાજપના સ્થાનિક આગેવાનો પણ વાસ્તવિક મુશ્કેલીઓનો સ્વીકાર કરતા જણાયા હતા.
નારણપુરા વોર્ડમાં આજે ભાજપના નવા વાડજ વોર્ડના મંત્રી રમેશભાઇ ગીડવાણી, જાસ્મીન પરમાર, ભાજપના સ્થાનિક આગેવાન દિનેશભાઇ જેઠાણી સહિતના અગ્રણીઓ સ્થાનિક નાગરિકોને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ કઢાવી આપવા ખાસ કેમ્પ લગાવીને બેઠા હતા ત્યારે અનેક લોકો રેશનકાર્ડમાં નામમાં ભૂલ, રેશનકાર્ડમાં તમામ સભ્યોના નામ જ નથી હોતા, મૃત્યુ પામેલા સભ્યોના નામો કમી કરાયા નથી હોતા, રેશનકાર્ડમાં જે નામ હોય, તેનાથી અલગ કે ભળતુ નામ ઇલેકશન કાર્ડ અને આધારકાર્ડમાં હોય, દરેક દસ્તાવેજમાં નામો અલગ-અલગ હોય, કાં તો અટક અલગ હોય, લાઇટબીલમાં કંઇક ભૂલ હોય તે સહિતની અનેક સમસ્યાઓ સામે આવી હતી. હવે આ તમામ સુધારા કરવા અને મા અમૃતમ્ કાર્ડ કઢાવવું હોય તો જરૂરી એફીડેવીટ અને નોટરાઇઝ કરાવવું પણ ફરજિયાત છે.
નવા વાડજ વોર્ડ મંત્રી રમેશભાઇ ગીડવાણીએ આવેલા નાગરિકોને સાચી સમજ આપી હતી કે, તેમણે આ અંગે જરૂરી એફીડેવીટ અને નોટરાઇઝેશન કરાવવું પડશે અને તે પણ નાગરિકોને વિનામૂલ્યે કરાવી આપવાની તેમણે વ્યવસ્થા કરાવી આપી હતી.
મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ લેનારા મોટાભાગના લોકો ગરીબ, જરૂરિયાતમંદ અને સામાન્ય વર્ગના લોકો હોય છે. જેમાંથી કેટલાક તો ખાસ કરીને મહિલાઓ અભણ અને બેરોજગાર હોય છે, તેથી તેમને દસ્તાવેજી ખરાઇ કે તેની મહત્વતાની ખબર જ હોતી નથી., તેથી તેઓ ઉપરોકત ભૂલો અને ક્ષતિઓને લઇ હાલાકીનો ભોગ બનતા હોય છે ત્યારે નવા વાડજ વોર્ડના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ આ મામલે કલેકટર તંત્રને પણ અનુરોધ કર્યો છે કે, જે નાગરિકોના રેશનકાર્ડ, આધારકાર્ડ કે ઇલેકશન કાર્ડમાં ફેરફાર કે સુધારા હોય તો તે સત્તાવાળાઓએ તાત્કાલિક કરી આપવા જાઇએ કે જેથી તેઓને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ ઝડપથી જારી થઇ શકે અને આવા પરિવારો સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લઇ શકે. તો કેટલાક જાગૃત નાગરિકોએ પણ માંગણી કરી હતી કે, કલેકટરોરેટ કે સંબંધિત સત્તાવાળાઓ જયારે રેશનકાર્ડ, ઇલેકશન કાર્ડ કે આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજા તૈયાર કરે ત્યારે ડેટા એન્ટ્રી કરતાં ઓપરેટરો દ્વારા જ બેધ્યાનપણું રાખીને ઘણીવાર એન્ટ્રીમાં જ નામ, સરનામા સહિતની વિગતોમાં ભૂલ કરી દેવાય છે, જેના કારણે નાગરિકો વર્ષો સુધી હેરાન થાય છે. તેથી તંત્રના સત્તાધીશોએ આ બાબતની ખાસ કાળજી લઇ આવા દસ્તાવેજ તૈયાર કરતા કર્મચારીઓને જ કડકાઇથી સૂચના આપી તેનું પાલન કરાવવું જાઇએ.