અમદાવાદ : કેવડિયા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક અને વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું ત્યારે ભારતીય ઇજનેરી કુશળતા અને પ્રોજેકટ મેનેજમેન્ટનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડનાર એલએન્ડટીના મહાનુભાવોએ પણ ભારે ગર્વની લાગણી વ્યકત કરી હતી. કેવડિયા ખાતે સાધુ બેટ પર બનેલી એસઓયુ હવે ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમથી દક્ષિણે અંદાજે ૩.૫ કિલોમીટરનાં અંતરે સ્થિત આ પ્રતિમાને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનાં સ્ત્રોત સ્વરૂપે ગણાવતાં એલએન્ડટીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ.એન.સુબ્રમન્યને જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને ગર્વનું પ્રતીક હોવા ઉપરાંત ભારતની ઇજનેરી કુશળતા અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ષમતાનું પણ પ્રતીક છે.
લાર્સન એન્ડ ટૂબ્રોએ કેટલાંક રાષ્ટ્રીય મહ¥વપૂર્ણ પ્રોજેક્ટોનું નિર્માણ કર્યું છે અને અમને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાનાં કાર્યમાં સંલગ્ન થવા પર ગર્વ છે, જે ભારતનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે. શ્રી સુબ્રમન્યને ઉમેર્યું હતું કે, આર્કિટેક્ટસ, શિલ્પકાર અને પ્રતિષ્ઠિત વૈશ્વિક કન્સલ્ટન્ટ સાથે અમારી ઇજનેરી અને નિર્માણ ટીમોએ આદરણીય પ્રધાનમંત્રીનું સ્વપ્ન રેકોર્ડ સમયમાં સાકાર કર્યું છે. ઇજનેરીમાં સ્કેલ, સ્પીડ અને ગુણવત્તાની અમારી કટિબદ્ધતાથી આ ઇચ્છિત પરિણામ હાંસલ થયું છે, જે માળખાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોવાની સાથે આકર્ષક સુંદરતા પણ ધરાવે છે. કંપનીનાં બિલ્ડિંગ્સ, મિનરલ્સ એન્ડ મેટલ્સનાં હોલ ટાઇમ ડાયરેક્ટર અને સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી એમ વી સતિશે કહ્યું હતું કે, આ પ્રતિમા ખરેખર બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ બિઝનેસ વર્ટિકલની મોટી સિદ્ધિ છે.
વિભાવનાથી લઈને ડિઝાઇન, ખાસિયતો અને પ્રતિમાની લાક્ષણિકતા વિકસાવવાની સંપૂર્ણ પ્રક્રિયા માટે એન્જિનીયર, પ્રોજેક્ટ પ્લાનિંગ, લોજિસ્ટિક્સ, ખર્ચ નિયંત્રણ આ તમામનું મેનેજમેન્ટ અતિ મુશ્કેલ હતું અને ટીમવર્કને પ્રતિબિંબિત કરે છે. અમને દેશને ગર્વ થાય એવું સ્મારક બનાવવાનો ગર્વ છે અને આ રીતે અમને ભારતનાં મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપવાની ખુશી છે. એસઓયુ કોમ્પ્લેક્સમાં બેઝમાં એક મોટું એક્ઝિબિશન સેન્ટર, મેમોરિયલ ગાર્ડન, નર્મદા નદીને સમાંતર મુખ્ય જમીન સાથે સાધુ ટાપુને જોડતો પુલ, ૫ કિમીની લંબાઈનો આંતરિક માર્ગ, સાધુ ટાપુનાં એરિયાને જોડતાં હાલનાં માર્ગો, પુલો, નાળામાં સુધારા સામેલ છે. આ વહીવટી સંકુલ અને સ્ટાર રેટેડ હોટેલ (શ્રેષ્ઠ ભારત ભવન) તથા કોન્ફરન્સ સેન્ટર પણ ધરાવે છે.
એલએન્ડટીની ઇજનેરી કળાનો શ્રેષ્ઠ નમૂનો આ પ્રતિમા સરદાર પટેલની ચાલવાની મુદ્રામાં ઊભી કરવામાં આવી છે. એ સ્ટાર આકારનાં ભૌમિતિક આધારમાંથી આકાશ તરફ આગળ વધે છે. આ આધાર સંપૂર્ણ સાધુ ટેકરીને આવરી લે છે. પ્રતિમા વિશિષ્ટ, પાતળા આધારથી ઊંચાઈનો રેશિયો ધરાવે છે, જે હાલનાં ટેકનિકલ માપદંડોથી ઘણી સચોટ કામગીરી અને વિશિષ્ટ ઇજનેરી કુશળતા માંગી લે છે. માળખામાં બે ઊભા મહ¥વપૂર્ણ ભાગ છે, જે દરેકમાં હાઈ-સ્પીડ પેસેન્જર એલીવેટર છે. ઊભા સ્તંભો સ્ટીલને ફ્રેમને સપોર્ટ કરે છે, જેમાં આશરે કાંસાની ૬,૫૦૦ પેનલ છે. પ્રતિમાની છાતી પર વ્યૂઇંગ ગેલેરી છે, જેમાં એકસાથે ૨૦૦ મુલાકાતીઓ સામેલ થઈ શકે છે અને ત્યાંથી સરદાર સરોવર ડેમ અને એની આસપાસનાં વાતાવરણનો રોમાંચક નજારો જોઈ શકાય છે.