અમદાવાદ : તાજેતરમાં રાજયમાં ૮,૭૬,૩૫૬ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ ઓએમઆર શીટ દ્વારા જ લેવામાં આવી હતી તેના સચોટ પુરાવા રજૂ કરીને રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિપક્ષના નેતા દ્વારા બારકોડેડ વિનાની ઓએમઆર શીટ દ્વારા લેવાયેલ લોકરક્ષકની પરીક્ષા અંગેના ખોટા અને આધાર વિનાના આક્ષેપો ફગાવી દીધા હતા. રાજય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં લોકરક્ષકની પરીક્ષા આપતા તમામ ઉમેદવારોને અગાઉથી ઓએમઆર શીટની તમામ જાણકારી મળી રહે તે હેતુથી નમૂનાના ભાગરૂપે બારકોડેડ વિનાની ઓએમઆર શીટ વેબસાઇડ ઉપર મુકવામાં આવી હતી. લોકરક્ષક પરીક્ષા પધ્ધતિમાં ઉત્તરવહી પર પાર્ટ-એ માં ઉમેદવારોનો નંબર, પ્રશ્નપુસ્તિકા ક્રમાંક, પ્રશ્નપુસ્તિકા કોડ, ઉમેદવારની સહી, પ્રયાસ કરેલ પ્રશ્નોની સંખ્યા અને બારકોડ હોય છે.
જયારે પાર્ટ-બી માં બારકોડ અને ઉત્તરના એ, બી, સી., ડી. વિકલ્પો હોય છે. પાર્ટ-એ અને પાર્ટ-બી ના બારકોડ એક જ ઉત્તરવહીમાં સરખા હોય છે અને તે તમામ ઉત્તરવહીમાં યુનિક એટલે કે, તમામમાં અલગ-અલગ હોય છે. ઉત્તરવહીના મુલ્યાંકનમાં ગુણાંકન પાર્ટ-બી માંથી સ્કેનીંગ દ્દવારા નકકી થાય છે. જે પાર્ટ-બી માં ઓળખની કોઇ જ નિશાની જેવી કે, સહી, નંબર, નામ વિગેરે કશુ જ નથી હોતુ, એટલે નકકી થયેલ નામ કે નંબર વાળાનું જ પરિણામ સારૂ લાવી શકાય તેવું શકય જ નથી. પરિણામ તૈયાર કરવાની પધ્ધતિમાં પાર્ટ-એ અને પાર્ટ-બી નો ડેટા સ્કેનીંગ આધારે તૈયાર થયા બાદ તેમાં આન્સર કી દ્દવારા ડેટા મેચ કરાય છે.
તેના આધારે પરિણામ તૈયાર થાય છે. આ પધ્ધતિમાં કોઇપણ તબકકે કોઇપણ વ્યકિત સુધારો કે ફેરફાર, પરિણામમાં કે ડેટામાં કરી શકતો નથી. એ વાત ખરી નથી કે પાર્ટ-એ અને પાર્ટ-બી માં બારકોડ આપેલ નથી. વળી આ સિસ્ટમ કોઇ નવી નથી. અગાઉની પરીક્ષાઓ પણ આ જ રીતે લેવાયેલ છે અને તેમાં ક્ષતિરહિત અને તટસ્થ પરિણામો તૈયાર થયા છે તેમ રાજય ગૃહ મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ હતું. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની લેખિત પરીક્ષા કાર્યવાહી અંગેની સંપૂર્ણ માર્ગદર્શિકા તમામ સેન્ટરોના સંચાલકોને અગાઉથી મોકલી આપવામાં આવી હતી. જેમાં પરીક્ષાની કામગીરીમાં જોડાયેલ તમામ અધિકારીઓ/ કર્મચારીઓની જવાબદારીની વિગતો રજૂ કરવામાં આવી હતી, તેમ પણ મંત્રીએ કહ્યું હતુ.
પરીક્ષાને સફળ બનાવવા રાજયના પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પારદર્શિતા સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમા ગેરરિતી ન થાય તે હેતુથી ૭૦૦ થી વધુ ફલાઇંગ સ્કોર્ડની રચના કરવામાં આવી હતી.