પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરીને સરકારે હવે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ ભડકો કર્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં શુક્રવારે વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વિનાના રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂપિયા ૫૦ સુધી ભાવ વધારી દેવાયા છે તો સબસિડી સાથેના સિલિન્ડર પર રૂપિયા બેનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકારે આધાર કાર્ડ સાથે રાંધણ ગેસ સબસિડી જોડી દીધી તે પછી મોટાભાગના લોકોને સબસિડી વિનાનો સિલિન્ડર લેવો પડે છે. પહેલી જૂનથી અમલમાં આવે તે રીતે ઝીંકાયેલા આ ભાવ વધારાથી એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂપિયા ૬૯૮.૫૦, મુંબઈમાં રૂપિયા ૬૭૧.૫૦, કોલકાતામાં રૂપિયા ૭૨૩.૫૦ એન ચેન્નઈમાં રૂપિયા ૭૧૨.૫૦ પર પહોંચી જશે. આ તમામ ભાવવધારો ૧૪.૨ કિલોગ્રામ વજનના સિલિન્ડરમાં લાગુ થશે તેમ ઈન્ડિયન ઓઈલ કંપનીએ કહ્યું છે.
સબસિડીયુક્ત એલપીજી સિલિન્ડરના ભાવમાં બે રૂપિયાનો વધારો થયો છે જેમાં ટેક્સનો ઉમેરો કરતાં દિલ્હીમાં તે રૂપિયા ૨.૩૪, કોલકાતામાં રૂપિયા ૨.૪૨, મુંબઈમાં રૂપિયા ૨.૩૭ અને ચેન્નઈમાં રૂપિયા ૨.૪૨ જેટલો મોંઘો થશે. સબસિડી વિનાના સિલિન્ડર પર દિલ્હીમાં રૂપિયા ૪૮, કોલકાતામાં રૂપિયા ૪૯.૫૦, મુંબઈમાં રૂપિયા ૪૮.૫૦ અને ચેન્નઈમાં રૂપિયા ૪૯.૫૦નો વધારો થશે.