દિવાળીના પહેલા સરકારનો મોટો આંચકો, LPGનો બાટલો થયો મોંઘો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

Rudra
By Rudra 2 Min Read

નવી દિલ્હીઃ આજથી સરકારે 19 કિલોગ્રામના કમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 16 રૂપિયા સુધી વધારી દીધો છે. 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 19 કિલોનો કમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે 1595.50 રૂપિયામાં મળશે. પહેલા આ સિલિન્ડર 1580 રૂપિયામાં મળતો હતો.

રાહતની વાત એ છે કે સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશના મોટા ભાગના શહેરોમાં રસોઈ ગેસનો ભાવ 850 રૂપિયાથી 960 રૂપિયા વચ્ચે છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 853 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં, લખનૌમાં 890.50 રૂપિયામાં, અમદાવાદમાં 860 રૂપિયામાં, હૈદરાબાદમાં 905 રૂપિયામાં, વારાણસીમાં 916.50 રૂપિયામાં અને પટનામાં 951 રૂપિયામાં મળી રહ્યો છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા હવે ભાવ વધાર્યા પછી 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1595.50 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 1580 રૂપિયા હતો. કોલકાતામાં આ સિલિન્ડર હવે 1700 રૂપિયામાં મળશે, જે પહેલા 1684 રૂપિયામાં મળતો હતો. મુંબઈમાં આ 1547 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 1531.50 રૂપિયા હતી. ચેન્નાઈમાં આ સિલિન્ડર હવે 1754 રૂપિયાનું થઈ ગયું છે, જે સપ્ટેમ્બરમાં 1738 રૂપિયામાં મળતું હતું. અહીં પણ 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં પણ આ ભાવ વધારાની અસર હેઠળ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત તમામ ઠેકાણે કિંમતોમાં ફેરફાર થયો છે. અમદાવાદમાં 19 કિલાના કોમર્શિયલ બાટલના નવા ભાવ રુ.1613.50 છે. જ્યારે રાજકોટમાં આ બાટલાના ભાવ 1587.50 છે. જ્યારે સુરતમાં 1546.50 રુપિયા છે અને વડોદરામાં આ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1657 રુપિયા છે. આ કિંમતો વેબસાઇટ goodreturns.in/ પરથી લેવામાં આવી છે.

ઉજ્જવલા યોજનાના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં સરકારે રાજ્યની 1.85 કરોડ મહિલાઓને દિવાળી પહેલા મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે પણ નવરાત્રી પર 25 લાખ નવા પ્રધાનમંત્રી ઉજ્જવલા કનેક્શન આપવાની જાહેરાત કરી છે. આથી દેશભરમાં ઉજ્જવલા ગેસ કનેક્શનની સંખ્યા વધીને 10 કરોડ 60 લાખ થઈ જશે.

Share This Article