અમદાવાદ શહેરના કુબેરનગરમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજારી વીડિયો શૂટ કરી વાઈરલ કરી દેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિદ્યાર્થિનીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જયારે બીજાની ધરપકડના ચક્રો ગતિમાન રાખ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના કુબેરનગર વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરા તેના માસીના ઘરે રહે છે અને નજીકની સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. નજીકમાં રહેતા આયુષ બજરંગે નામના યુવક સાથે તેની સપ્ટેમ્બર ૨૦૧૮માં મિત્રતા થઇ હતી. એકબીજા ફોન પર વાતો કરતા હતા. દર ગુરૂવારે સાંઈબાબાના મંદિરે જતી હતી ત્યારે તેઓ મળતા હતા અને અંધારું થતા નજીકમાં આવેલા અવાવરું જગ્યાએ તેઓ બેસતા હતા. જ્યાં આયુષે તેની સાથે અડપલાં અને ત્રણેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે સગીરાએ ઘરમાં કોઈને જાણ કરી ન હતી.
ગત તા.૧૪ સપ્ટેમ્બરે વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી ત્યારે આયુષ રસ્તામાં મળ્યો અને સગીરાને એક્ટિવામાં બેસાડી તેના મિત્રના ઘરે શાહીબાગ સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા એક ફલેટમાં લઈ ગયો હતો. આ ફલેટ નીચે સગીરાએ ઉપર આવવાની ના પાડતાં તેને ધમકીઓ આપી અને તેને બળજબરીપૂર્વક ઉપર લઈ ગયો હતો. ફ્લેટમાં તેનો અન્ય એક મિત્ર ધ્રુવ જાડેજા પણ હાજર હતો. આયુષ સગીરાને એક રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આયુષ બહાર નીકળી ગયો અને થોડીવાર બાદ ધ્રુવ જાડેજા પણ રૂમમાં ગયો અને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બંને શખ્સોએ સગીરાને રીક્ષામાં જતા રહેવા કહ્યું હતું. સપ્ટેમ્બર-૨૦૧૯માં સગીરાના પિતાને અકસ્માત થયો હતો જેથી તેના પિતાના ઘરે જતી રહી હતી. થોડા દિવસ પહેલા સારવાર દરમ્યાન પિતાનું અવસાન થતા સગીરા અમદાવાદ આવી ગઈ હતી. સગીરાના મોટાભાઈના ફોનમાં એક વીડિયો આવ્યો હતો તે વીડિયો જોઈ તે ચોંકી ઉઠયો હતો, આ બિભત્સ વીડિયો તેની જ નાની બહેનનો હતો, પરિણામે માતા અને મોટાભાઈએ આ અંગે પુછતા સગીરા રડવા લાગી હતી અને સમગ્ર હકીકત બહાર આવતા સગીરાએ મેઘાણીનગર પોલીસે સ્ટેશનમાં બંને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.