અમદાવાદ : શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી જારી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી પરંતુ આ પહેલા જ સેંસેક્સ અને નિફ્ટીમાં સતત મંદીના પરિણામ સ્વરુપે માર્કેટ મૂડી ઉલ્લેખનીયરીતે ઘટી ગઈ છે. ગુજરાતની ટોચની કંપનીઓની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ડઝન જેટલી ટોચની ગુજરાતની કંપનીઓએ છેલ્લા નવ દિવસના કારોબાર દરમિયાન સંયુક્તરીતે ૨૬૪૦૦ કરોડની રકમ ગુમાવી દીધી છે. ગુજરાતની ટોચની કંપનીઓની પણ હાલત કફોડી બની ગઈ છે.
તેમની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ હેડક્વાર્ટર્સ ધરાવતી કેડિલા હેલ્થકેર લિમિટેડની માર્કેટ મૂડીમાં ૬૦૪૧ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી સોમવારના દિવસે ઘટીને ૨૭૫૨૮ કરોડ થઇ ગઇ હતી જે ૨૬મી એપ્રિલના દિવસે ૩૩૫૬૯ કરોડ રૂપિયા હતી. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ બાદ રોકાણકારોમાં આની પણ ચર્ચા જાવા મળી છે.
ફાર્માની મહાકાય કંપની બાદ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ), અદાણી પાવર લિમિટેડ (એપીએલ), અદાણી ગેસ લિમિટેડ (એજીએલ) અને ટોરેન્ટ ફાર્મા લિમિટેડની માર્કેટ મૂડીમાં પણ ક્રમશઃ ૫૫૭૧ કરોડ, ૩૮૩૮ કરોડ, ૨૧૫૬ કરોડ, ૧૮૮૧ કરોડ સુધીનો ઘટાડો થયો છે. અન્ય અગ્રણી ગુજરાત કોર્પોરેટ જેમની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે તેમાં અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ, ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ, એઆઈએ એન્જિનિયરિંગ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટનો સમાવેશ થાય છે.