દેશમાં સૌથી હાઇપ્રોફાઇલ સીટ અમેઠીમાં મતદાન થયા બાદ હવે તમામની નજર પરિણામ પર કેન્દ્રિત થઇ ગયુ છે. આ સીટ પર આવખતે કોણ બાજી મારશે તેને લઇને કોઇ રાજકીય પંડિત કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. આ સીટ પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઇરાની વચ્ચે સીધી સ્પર્ધા છે. અમેઠી હમેંશાથી નહેરુ-ગાંધી પરિવારના એક મજબુત ગઢ તરીકે છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે જોરદાર સપાટો મોદી લહેર વચ્ચે બોલાવ્યો ત્યારે પણ અમેઠીની બેઠક તો રાહુલ ગાંધી બચાવી લેવામાં સફળ રહ્યા હતા.
આ સીટ પણ રાહુલ ગાંધી ક્યારેય હાર્યા નથી. તેમની સામે અનેક પ્રકારના પડકારો આ વખતે હતા. વિકાસના કામોને લઇને પ્રશ્નો થતા રહ્યા છે. કોંગ્રેસના ગઢની સાબિતી આ બાબતથી જ મળી જાય છે કે ૧૯૬૭ બાદથી માત્ર બે વખત ભારતીય જનતા પાર્ટીને અહીંથી જીત મેળવી લેવામાં સફળતા હાથ લાગી છે. એક વખતે જનતા પાર્ટી અને બીજી વખત ભાજપે અહીં સીટ જીતી હતી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા આ વખતે પણ અમેઠી અન રાયબરેલી સીટ કોંગ્રેસ માટે છોડી દીધી હતી. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રિય પ્રધાન આક્રમક સ્મૃતિ ઇરાની અહીંથી ભલે હારી ગયા હતા પરંતુ સ્મૃતિ અહીં જોરદાર રીતે સક્રિય રહ્યા છે. અહીં અનેક મોટા નામ રહી ચુક્યા છે. આ બેઠક પરથી અનેક દિગ્ગજો જીતતા રહ્યા છે. જેમાં રાજીવ ગાંધી ૧૯૮૧થી લઇને ૧૯૯૧ સુધી આ બેઠક પરથી જીતી ગયા હતા. ચાર વખત રાજીવ ગાંધી જીત્યા હતા. ત્રણ વખત હવે રાહુલ ગાંધી જીતી ચુક્યા છે.
મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો આ સીટ પર બાઇપાસ નિર્માણ, આવારા પશુની સમસ્યા, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યને લઇને કેટલાક મુદ્દા પ્રચાર વેળા રહ્યા હતા. સીટની વર્તમાન સ્થિતીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી હાલમાં સાંસદ તરીકે છે. વર્ષ ૨૦૧૪ બાદથી રાહુલ ગાંધી છથી વધુ વખત અહીં આવીને પોતાના મતદારોના હિતમાં નિર્ણય કરતા રહ્યા છે. રાહુલે કેટલીક સ્કુલોમાં અહીં મિનરલ વોટરની વ્યવસ્થા પહેલા કરાવી હતી. મંદિરો અને મજારોમાં લાઇટની વ્યવસ્થા પણ રાહુલે કરાવી છે. મલિક મોહમ્મજ જાયસી શોધ સંસ્થા માટે જંગી નાણાં પણ આપ્યા છે. સાથે સાથે આશરે ૪૦૦ હેન્ડપંપ પણ લગાવી આપ્યા છે. અમેઠીમાં વિધાનસભા ક્ષેત્રની વાત કરવામાં આવે તો ચાર ક્ષેત્ર છે. જેમાં અમેઠી સદર, ગૌરીગંજ, જગદીશપુર અને તિલોઇનો સમાવેશ થાય છે. જે પૈકી ત્રણ પર ભાજપ છે. એકમાં સપા છે. અમેઠીના વોટરોની વાત કરવામાં આવે તો મહિલા મતદારોની સંખ્યા અહીં ૯૪૫૦૦૦ નોંધાઇ હતી. જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા અહીં ૯૨૨૦૦૦ નોંધાઇ હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો અહીં રાહુલ ગાંધીને ૪૭.૭૧ ટકા મત મળ્યા હતા. જ્યારે સ્મૃતિ ઇરાનીને ૩૪.૩૯ ટકા મત મળ્યા હતા. અન્યોને ૧૮.૯૧ ટકા મત મળ્યા હતા. સીટના રાજકીય ભવિષ્યની વાત કરવામાં આવે તો આ વખતે જોરદાર સ્પર્ધા છે.