લંડન આતંકવાદી હુમલામાં બે મોત, હુમલાખોર અંતે ફુંકાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લંડન બ્રિજ પર શુક્રવારના દિવસે થયેલી ચાકુબાજીની ઘટનાને ત્રાસવાદી હુમલા તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા હવે નિવેદન જારી કરવામાં આવ્યુ છે. પોલીસે કહ્યુ છે કે હુમલાને અંજામ આપનાર શંકાસ્પદને ઠાર કરી દેવામાં આવ્યો છે. પોલીસે કહ્યુ છે કે શંકાસ્પદે બોંબ વેસ્ટ પહેરીને આવ્યો હતો. સ્થાનિક મિડિયામાં કહેવામાં આવ્યુ છે કે ઘાયલ થયેલા લોકો પૈકી બેની હાલત ગંભીર જણાવવામાં આવી છે. સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર ટેરરિઝમ પોલિસિંગના સહાયક કમીશનર નીલ બસુએ લંડનના સ્કોટલેન્ડ યાર્ડ હેડ ક્વાર્ટસ ખાતેથી મિડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર છે. નીલ બસુએ કહ્યુ છે કે મેટ્રોપોલિટન પોલીસ ફોર્સ આ હુમલાને લઇને પહેલા ખુલ્લા દિમાગથી તપાસ કરવા માટે ઇચ્છુક છે.

કારણ કે આ વિસ્તારમાં કાઉન્ટર ટેરર ઓફિસર્સ સતત સર્ચ અભિયાન ચલાવે છે. લોકોના જાનને ખતરામાં નાંખી ન શકાય તે માટે આ વિસ્તારમાં અનેક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. અધિકારીઓએ કહ્યુ હતુ કે તેમને લંડન બ્રિજ પર ચાકુબાજીની ઘટના અંગે માહિતી મળી હતી. ત્યારબાદ મેટ્રોપોલિટન પોલીસ અને સિટી ઓફ લંડન પોલીસે ઉંડી તપાસ હાથ ધરી હતી. તપાસ કરવામાં આવ્યાબાદ હુમલાખોર શખ્સને ઘટના સ્થળે જ ઠાર કરી દેવામાં આવ્યો હતો. બોંબ જેકેટ અંગે માહિતી આપતા પોલીસે કહ્યુ છે કે અમને એવા રિપોર્ટ પણ પહેલા મળ્યા હતા કે હુમલાખોરની પાસે વિસ્ફોટક પણ હોઇ શકે છે. જેથી ઘટનાસ્થળે ખાસ અધિકારીઓને બોલાવી દેવામાં આવ્યા હતા.

Share This Article