પટણા : બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે આજે ૪૦ સીટો પૈકી ૩૯ સીટો પર તેમના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે શાહનવાઝ હુસૈનની ટિકિટ પણ કપાઇ ગઇ છે. બીજી બાજુ કેન્દ્રિત પ્રધાન ગિરિરાજ સિંહને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ખઘડિયા બેઠક પરથી હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જે રામવિલાસ પાસવાનના ખાતામાં હોવાના હેવાલ છે. બીજી બાજુ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને તમામ બાબતો ફાઇનલ થઇ ગઇ હોવા છતાં ખેંચતાણ જારી છે. એમ માનવામાં આવે છે કે એનડીએના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ મહાગઠબંધન ઉમેદવારની યાદી ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવનાર છે. પટણામાં એનડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તમામની નજર ગિરિરાજ અને શત્રુઘ્ન સિંહાની સીટ પર લાગેલી હતી. ગિરિરાજને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટિકિટ જેમને મળી નથી તેમાં શત્રુઘ્ન સિંહા સામેલ છે. પટણા સાહિબમાંથી સાંસદ તરીકે રહેલા સિન્હાને પાર્ટીની સામે બળવો કરવા બદલ સજા તરીકે ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ આ સીટ પરથી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી બાજુ કેન્દ્રિય પ્રધાન રામકૃપાલ યાદવને પાટલિપુત્રમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે.તેઓ વર્ષ ૨૦૧૪માં આરજેડી સાથે છેડો ફાડીને ભાજપમાં જાડાયા હતા. બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ ૧૭-૧૭ સીટો પણ ચૂંટણી લડી રહી છે.