વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર નિર્માણની વાત કરીને આ મુદ્દાને ફરીવાર છેડી દીધો છે. હવે મંદિર નિર્માણનો મુદ્દો ફરીવાર ચર્ચામાં રહી શકે છે. આને લઇને રાજકીય પક્ષો દ્વારા આક્ષેપબાજીનો દોર પણ શરૂ થઇ ચુક્યો છે. લોકસભાની ચૂંટણી અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે આ મુદ્દો હવે ચર્ચાસ્પદ બની ગયો છે. પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે ફરી એકવાર આ મુદ્દાને ઢંઢેરામાં સામેલ કરે તેવી શક્યતા છે.
મોહન ભાગવતના નિવેદનથી લાગે છે કે, મંદિર નિર્માણમાં વિલંબ થતાં હિન્દુ સમુદાયના લોકો નાખુશ છે અને મંદિર નિર્માણ માટે ઇચ્છુક છે. મોહન ભાગવતે સીધીરીતે સરકારને આ દિશામાં આગળ વધવા અને કાનૂન બનાવીને પણ મંદિર નિર્માણ કરવાની અપીલ કરી દીધી છે. ભાજપની સરકાર કેન્દ્રમાં હોવા છતાં આ દિશામાં કોઇ ગંભીર પ્રયાસો છેલ્લા ચાર વર્ષમાં ન થતાં મોહન ભાગવતે વિજ્યાદશમીના પર્વ પર આ વિષય ઉપર વાત કરી હતી. તેમના નિવેદનથી રામ મંદિરનો મુદ્દો ફરી ગરમ બન્યો છે.