અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિને ઠારવા હવે કોંગી હાઇકમાન્ડના દિગ્ગજ નેતાઓ સક્રિય થયા છે. અરવલ્લી ખાતેના કોંગ્રેસના એક સંમેલનમાં હાજરી આપવા ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અને દિગ્ગજ નેતા કોંગ્રેસમાં હાલના આંતરિક જૂથવાદ અને નારાજગીની વાતને સાફ શબ્દોમાં રદિયો આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં કોઇપણ પ્રકારની નારાજગી નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ એકજૂથ રહેશે અને ચૂંટણી લડશે. ગુજરાત આવેલા અહેમદ પટેલે ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને લઇને પણ નિવેદન આપ્યું છે. અહેમદ પટેલે કહ્યું કે, આવી ફિલ્મો તો આવતી-જતી રહે.
ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરનો વિવાદ પણ જોરશોરથી ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશમાં આ ફિલ્મની રીલીઝ પર રોક લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપે આ ફિલ્મને પ્રોમો પોતાના ટિ્વટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. ફિલ્મ ૧૧ જાન્યુઆરીનાં રોજ રીલીઝ થશે. ત્યારે બીજીબાજુ, આજે કોંગ્રેસ અને એનએસયુઆઇ તરફથી ફિલ્મને લઇ ઉગ્ર વિરોધનો સૂર ઉઠાવવામાં આવ્યો છે. એનએસયુઆઇએ તો એટલે સુધી ચીમકી ઉચ્ચારી છે કે, જા ફિલ્મ વાંધાજનક હશે તો તેને કોઇપણ ભોગે રિલીઝ નહી થવા દે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત કાંગ્રેસનાં સિનિયર નેતાઓ સ્થાનિક નેતાગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સામે કેટલાક નેતાઓની નારાજગીના અહેવાલોની વચ્ચે આજે બપોરે અરવલ્લી ખાતે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સંસદ સભ્ય અહમદ પટેલ ઉપસ્થિતિમાં આદિવાસી સંમેલન યોજાઇ રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસમાં ચાલતી ગરબડનો પડઘો કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણીમાં પડ્યો હતો.
તેમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. પરંતુ કોંગ્રેસમાં અંદર ખાનેથી પક્ષ નેતૃત્વ સામે અસંતોષ હોવાની ચર્ચા તો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ તેમજ પ્રદેશ અગ્રણીઓ દિનશા પટેલ, તુષાર ચૌધરી અને રાજુ પરમાર વગેરે અગ્રણીઓ પોતાની અવગણનાના કારણે પ્રદેશ પ્રમુખથી નારાજ હોવાના અહેવાલોની વચ્ચે કેટલાક નેતાઓ રાજીવ સાતવ સમક્ષ આ અંગે રજૂઆત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસનો આંતરિક જૂથવાદનો વિવાદ વધુ વકરે નહી તે માટે કોંગી હાઇકમાન્ડ તેની રીતે ગુપ્ત પ્રયાસો કરી રહ્યું છે.