મુંબઇ : આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીથી પહેલા ભાજપ અને કોંગ્રેસથી અલગ ત્રીજા મોરચાની રચના કરવાના પ્રયાસને મોટો ફટકો પડ્યો છે. કારણ કે એનસીપીના નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન શરદ પવારે કહ્યુ છે કે ત્રીજા મોરચાની રચના બિલકુલ અયોગ્ય રહેશે. તેમણે કહ્યુ છે કે મહાગઠબંધનના પ્રયાસો પણ યોગ્ય સાબિત થશે નહી. પવારનુ નિવેદન એવા સમય પર આવ્યુ છે જ્યારે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એચડી દેવગૌડા દ્વારા વહેલી તકે ત્રીજા મોરચાની રચનાની માંગ કરવામાં આવી છે. ખાસ વાતચીતમાં શરદ પવારે કહ્યુ છે કે ત્રીજા મોરચાના રૂપમાં જુદા જુદા રાજકીય પક્ષો સાથે મહાગઠબંધનની રચના અયોગ્ય છે.
જો કે તેમણે કહ્યુ હતુ કે તેમના કેટલાક સાથી પણ ઇચ્છે છે કે મહાગઠબંધનની રચના કરવામાં આવે તે જરૂરી છે. વાતચીત દરમિયાન શરદ પવારે કહ્યુ હતુ કે વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને જાહેરાત કરવી યોગ્ય નથી. તેમણે સંકેત આપ્યો હતો કે વર્ષ ૧૯૭૭માં જે રીતે મોરારજી દેસાઇ વિજયી પક્ષોના ચહેરા તરીકે બની ગયા હતા તેવી જ રીતે આ વખતે પણ હોઇ શકે છે. તેમણે કહ્યુ હતુ કે સૌથી પહેલા તો તેમને પોતાને મહાગઠબંધન અથવા તો ત્રીજા મોરચામાં વિશ્વાસ નથી. તેઓ અંગત પણે માને છે કે સ્થિતી વર્ષ ૧૯૭૭ની જેવી છે. પવારે કહ્યુ હતુ કે જનતાએ ઇન્દિરા ગાંધીને પણ હરાવી દીધી હતી.
ઇન્દિરા ગાંધીને હાર આપનાર તમામ રાજકીય પક્ષો એક સાથે આવ્યા હતા અને જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ મોરારજી દેસાઇના નામ પર સહમતિ થઇ હતી. ચૂંટણી દરમિયાન મોરારજી દેસાઇને વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યા ન હતા. જેથી હાલના સમયમાં કોઇને પણ પીએમ ચહેરા તરીકે રજૂ કરવાની બાબત યોગ્ય રહેશે નહી.