બારાબંકી : લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ હવે નવી ચૂંટણી માટેની રાજકીય ગરમી ઉત્તરપ્રદેશમાં વધવા લાગી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં હવે સપ્ટેમ્બર મહિનામાં ૧૨ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ધારાસભ્યો સાંસદ બની ગયા બાદ હવે ચૂંટણી યોજાનાર છે. ધારાસભ્યો સાંસદ બની ગયા બાદ ખાલી પડેલી ૧૧ વિધાનસભાની સીટ પર પેટાચૂંટણી યોજાશે. સાથે સાથે એક ધારાસભ્યની સીટ અમાન્ય જાહેર કરવામાં આવ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ૧૨ સીટો માટે પેટાચૂંટણી યોજાશે. મળેલી માહિતી મુજબ રાજ્ય ચૂંટણી પંચે રૂપરેખા તૈયાર કરીને કેન્દ્રિય ચૂંટણી પંચને મોકલી દીધા બાદ હવે તારીખની જાહેરાત કરવામાં આવનાર છે. ચૂટણીની તારીખની જાહેરાત સત્તાવાર રીતે જુલાઇના બીજા સપ્તાહમાં કરવામાં આવી શકે છે. અલબત્ત એક બાબત તો નક્કી છે કે પેટાચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર છે.
કારણ કે એ છે કે ઓક્ટોબર મહિનાથી વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદી ફેરસુધારાણાની પ્રક્રિયાની શરૂઆત થનાર છે. બીજી બાજુ પેટાચૂંટણી માટેની સંભવિત તારીખને લઇને ગરમી વધ્યા બાદ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ટિકિટની દાવેદારી ધરાવતા ઉમેદવાર પર વિચારણા શરૂ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીમાં ગઠબંધન તુટી ગયા બાદ ભાજપમાં ઉમેદવારો માટે પુર જેવી સ્થિતી છે. કાનપુરના ગોવિન્દનગર અને હમીરપુર વિધાનસભા સીટ માટે પણ પેટાચૂંટણી યોજાનાર છે. સામાન્ય રીતે જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં વરસાદના કારણે ચૂંટણી સંબંધિત કામગીરીમાં અડચણો ઉભી થાય છે. જેથી ચૂંટણી પંચે ઓગષ્ટ મહિના બાદ પેટાચૂંટણી માટે મતદાન કરાવવા માટેનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાર યાદી સુધારણાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. જેથી એવી યોજના છે કે ઓક્ટોબર મહિનાથી પહેલા અને ઓગષ્ટ મહિનાની બાદ અટલે કે સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી પૂર્ણ કરી લેવામાં આવે. નિયમ અનુસાર વિધાનસભાની સીટો ખાલી થઇ ગયા બાદ તેના છ મહિનાની અંદર પેટાચૂંટણી જરૂરી હોય છે. આવી સ્થિતીમાં લોકસભાની ચૂંટણીમાં જીતી ગયેલા તમામ સાંસદો પોત પોતાની વિધાનસભા સીટ પરથી ગયા સપ્તાહમાં જ રાજીનામુ આપી ચુક્યા છે.હવે પેટાચૂંટણીને લઇને પણ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરતા નજરે પડનાર છે.