નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ મોદી લહેર વચ્ચે માત્ર ૫૨ સીટો પર રહી ગયા બાદ કોંગ્રેસ પાર્ટીમાં બેઠકોનો દોર જારી રહ્યો છે. આજે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. જેમાં તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી. જો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને બહેન પ્રિયંકા વાઢેરાએ રાજીનામુ ન આપવા રાહુલને સમજાવ્યા હતા. દિલ્હીમાં યોજાઇ રહેલી બેઠકમાં હાજરી આપવા માટે પાર્ટીના તમામ ટોપ નેતાઓ પહોંચ્યા હતા. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા અને મનમોહનસિંહ પહોંચ્યાહતા. ઉપરાંત તમામ મોટા નેતા પણ પહોંચી ગયા હતા.
વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમ અને પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહ પણ પહોંચ્યા હતા. નવેસરથી મળેલી માહિતી મુજબ રાહુલે રાજીનામાની ઓફર કરી હતી. જો કે કાર્યસમિતીના નિર્ણય અંગે માહિતી મળી શકી નથી. પાર્ટી દ્વારા જાહેરમાં કોઇ વાત કરવામાં આવી રહી નથી પરંતુ અંદર ખાને એવી બાબત છે કે મોદીને વધારે પડતી ગાળો આપવાના કારણે પાર્ટીને નુકસાન વધારે થયુ છે. ખાસ કરીને ચોકીદાર ચોર હે જેવા શબ્દોના કારણે પાર્ટીને વધારે નુકસાન થયુ છે.
નકારાત્મક ચૂંટણી પ્રચારના કારણે પાર્ટીને ભારે નુકસાન થયુ છે. મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે કહ્યુ છે કે રાહુલ ગાંધી પર તમામ દોષ કરવાની બાબત યોગ્ય નથી. તેમણે કહ્યુ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ હિંમત સાથે ચૂંટણી લડી હતી. કમનસીબે અમે હારી ગયા તે દુખની વાત છે પરંતુ મહેનત ખુબ કરી હતી. રાહુલના રાજીનામા માટેની કોઇ જરૂર દેખાતી નથી.