નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે આજે સવારમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ બંપર લીડ મેળવી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન ત્રણ સુત્ર મુખ્ય રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આયેગા તો મોદી હી, અબ કી બાર ૩૦૦ પાર અને અબ કી બાર ફીર મોદી સરકારનો સમાવેશ થાય છે. આ ત્રણેય સુત્ર હવે સાચા પુરવાર થવા જઇ રહ્યા છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વેળા મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે ત્રણ સુત્ર આપ્યા હતા. દરેક પ્રચાર રેલીમાં આ બાબત રજૂ કરવામાં આવી હતી. આખરે આ બાબત સાચી પુરવાર દેખાઇ રહી છે. મોદી વધારે શક્તિશાળી બનીને આગળ આવી રહ્યા છે.
મોદી સરકાર ૩૦૦ પારની વાત પણ વારંવાર કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી માટે આજે સવારે મતગણતરીની શરૂઆત થઇ હતી. ૫૪૨ લોકસભા બેઠક માટે મતગણતરીની શરૂઆત થઇ હતી. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. તમામ વર્ગના લોકો દ્વારા ભાજપ અને એનડીએની તરફેણમાં મતદાન કરવામાં આવ્યુ છે.
લોકસભા ચૂંટણી આ વખતે કેટલીક રીતે ઐતિહાસિક છે. કારણ કે પ્રથમ વખત કોઇ સરકાર સતત બીજી વખત બહુમતિ સાથે સરકાર બનાવવા જઇ રહી છે. મોદી ફરી એકવાર ભાજપ માટે સૌથી શક્તિશાળી નેતા તરીકે પુરવાર થઇ રહ્યા છે. મોદી અને અમિત શાહની પણ આને મોટી જીત તરીકે ગણવામાં આવે છે.