લખનૌ : સ્વતંત્રતા બાદ શરૂઆતના ત્રણ દશકને છોડી દેવામાં આવે તો બાદના વર્ષોમાં આવું અનેક વખત બન્યું છે જ્યારે ઉત્તરપ્રદેશમાં વધારે સીટ જીતનાર પાર્ટી અથવા તો નેતાઓ કેન્દ્રમાં ચાવીરુપ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યા છે. ૧૯૭૧માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ૮૫માંથી ૭૧ સીટો જીતી લીધી હતી અને તેમની સરકાર બની હતી. આવી જ રીતે ૧૯૭૭ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના વિરોધમાં સાત પાર્ટીઓના મર્જરથી ભારતીય લોકદળની રચના કરવામાં આવી હતી.
આ લોકદળ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા હતા અને ચૌધરી ચરણસિંહના નેતૃત્વમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર બની હતી. ૧૯૮૦ અને ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં ફરી કોંગ્રેસને સૌથી વધારે સીટો મળી હતી અને કેન્દ્રમાં તેની સરકાર બની હતી. ૧૯૮૯માં જનતા દળને યુપીમાં ૫૪ સીટો મળી હતી અને બોફોર્સકાંડમાં ફસાયેલા રાજીવ ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો.