લોકસભા ચૂંટણી : ભારે ઉત્સાહ વચ્ચે ૯૧ સીટ પર મતદાન જારી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

નવી દિલ્હી : ૧૭મી લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા આજે સવારે વિધિવત રીતે શરૂ થઇ હતી. ૨૦ રાજ્યોને આવરી લેતી ૯૧ લોકસભા સીટ પર આજે સવારે અભૂતપૂર્વ ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. તમામ મતદાન મથકો પર પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સઘન સુરક્ષા વચ્ચે મતદાનની શરૂઆત થયા બાદ તમામ મતદાનવાળા રાજ્યોમાં શરૂઆતમાં કેટલાક મથકો પર મતદારોની લાંબી લાઇન લાગી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર શરૂઆતમાં ઓછી ભીડ જાવા મળી હતી. જો કે મતદાન આગળ વધ્યા બાદ તેમાં રોકેટ ગતિથી તેજી આવનાર છે.

આજે પ્રથમ તબક્કામાં મતદાનની સાથે જ ૧૨૭૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આ વખતે ૮૯ મહિલા ઉમેદવારો પણ ભાગ્ય અજમાવી રહી છે. તેમના ભાવિ પણ હવે ઇવીએમમાં સીલ થઇ ગયા છે. આજે પ્રથમ તબક્કામાં મેદાનમાં રહેલા ૧૨૭૯ ઉમેદવારો પૈકી તમામના ભાવિનો ફેંસલો કરવા માટે ૧૪.૨૦ કરોડ કુલ મતદારો પૈકી મોટા ભાગના મતદારો બહાર નિકળ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ ૧.૭૦ લાખ પોલિંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનને લઇને તમામ મતદાનવાળા રાજ્યોમાં તમામ તૈયારી પહેલા જ કરી લેવામાં આવી હતી.  મહારાષ્ટ્રમાં સાત સીટો પર ૧૨૨ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. મતદાન શરૂ થયા બાદ તમામના ભાવિ સીલ થઇ ગયા તા.  આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં પાંચ બેઠકો પર ૫૨ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા છે.   ઉત્તરાખંડમાં પાંચ બેઠકો પર બાવન ઉમેદવારોના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા છે.હજારો ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી પણ સામેલ છે. પ્રથમ તબક્કામાં આજે   જે રાજ્યોમાં મતદાન થઇ રહ્યુ છે તે પૈકી આંધ્રપ્રદેશમાં ૨૫, અરુણાચલ-૨, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપ-૪ સીટ પર મતદાન થઇ રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં આજે મતદાન થઇ રહ્યુ છે.  બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે,૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.

બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.આંધ્રપ્રદેશની સાથે સાથે સિક્કિમમાં  લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ આજે મતદાન થઇ રહ્યુ છે.  સિક્કિમની ૩૨ વિધાનસભા સીટ માટે મતદાન જારી છે. અરુણાચલમાં પણ  વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે.  આ વખતે  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે.  જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.  સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. જે પૈકી આજે પ્રથમ તબક્કામાં કુલ ૧૪.૨૦ કરોડ મતદારો નોંધાયા છે. ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા.

આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં નવ તબક્કામાં મતદાન થયું હતું. છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ૨૬મી મેના દિવસે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકેના શપથ લધા હતા. ૨૦૦૯માં છ અને ૨૦૦૪માં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતુ.

Share This Article