નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ પિનાકી ચન્દ્ર ઘોષે આજે દેશના પ્રથમ લોકપાલ તરીકે શપથ લીધા હતા. આની સાથે જ ચાલી રહેલા વિવાદનો પણ અંત આવી ગયો હતો. લોકપાલની નિમણૂંક કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. સામાન્ ચૂંટણીથી પહેલા લોકપાલની નિમણૂંક કરવામાં આવી છે. જેથી રાજકીય ગરમી રહી છે. આને લઇને રાજકીય વિવાદ પણ રહ્યો છે. જસ્ટીસ ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે દેશના પ્રથમ લોકપાલ તરીકે આજે શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સાથે સાથે દેશના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પણ હાજર રહ્યા હતા. આ પહેલા આંધ્રપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઘોષ રહી ચુક્યા છે. જસ્ટીસ ઘોષ વર્તમાનમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય તરીકે પણ રહ્યા છે. માનવ અધિકાર કાનુનમાં તેમને નિષ્ણાંત તરીકે ગણવામાં આવે છે.
લોકપાલની નિમણૂંક કરનાર પસંદગી સમિતીમાં વડાપ્રધાન, ચીફ જસ્ટીસ અથવા તો તેમના દ્વારા નિમવામાં આવેલા જજ, વિપક્ષના નેતા , લોકસભા અદ્યક્ષ અને જ્યુરિસ્ટ હોય છે. કોંગ્રેસના નેતા મલ્લિકા અર્જુન ખડગે લોકપાલ કમિટીની બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. સાથે સાથે મનમાની કરવાનો વડાપ્રધાન પર આક્ષેપ કર્યો હતો. લોકપાલની નિમણૂંક માટેની માંગણી લોકસભા ચૂંટણી વેળા કરવામાં આવતા આને લઇને પણ સવાલ થઇ રહ્યા છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સરકાર પર ગંભીર પ્રકારના આરોપો મુક્યા બાદ હવે નિમણૂંક કરાયા બાદ પણ પ્રશ્નો જારી છે.