અમદાવાદ : ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતીની લેખિત પરીક્ષા ગત તા.૨જી ડિસેમ્બરના રોજ પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬-૧-ર૦૧૯ને રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે. રાજ્ય સરકારે હવે બોધપાઠ લઈને આ પરીક્ષાનું ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇપણ ક્ષતિ વગર યોજવા માટેનું જબરદસ્ત આયોજન કર્યું છે. અગાઉની તારીખે પરીક્ષા રદ થતાં રાજયભરના પોણા નવ લાખ ઉમેદવારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેને પગલે ઉમેદવારોને બસ ભાડુ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતીની લેખિત પરીક્ષા તા.૨જી ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતીજ. પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા રદ થતાં સમગ્ર રાજ્યના ૮.૭પ લાખ જેટલા યુવા ઉમેદવારોને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં પરીક્ષા સ્થળે આવવા-જવા સહીત રહેવા-જમવા વગેરેનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. ૬-૧-ર૦૧૯ રવિવારે રાજ્યમાં યોજવામાં આવશે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી તેમજ ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇપણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા માટે જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જાહેરાત કરી છે. તેનો પણ આગામી તા.૬-૧-ર૦૧૯ના રોજ યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે. વિકાસ સહાયે વધુમાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઈશ્યૂ કરવામાં આવશે. નવી પરીક્ષાની તારીખ અને સરકારની જાહેરાત બાદ હવે ઉમેદવારો ફરી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે.