અમદાવાદ : લોકરક્ષક દળની પરીક્ષા રદ થઇ તેને લઇ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જામનગર, કેશોદ સહિતના કેટલાય સ્થળોએ રોષે ભરાયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ટ્રાફિક-રોડ ચક્કાજામ, સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજયા હતા. કેટલાક સ્થળોએ ઉમેદવારોએ રસ્તામાં ટાયરો સળગાવી પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો અને ભાજપ સરકાર અને રૂપાણી સરકાર હાય…હાય…ના નારાઓ લગાવ્યા હતા. જેને લઇ મામલો ગરમાયો હતો, અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઇના સંખ્યાબંધ કાર્યકરોએ આ ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો યોજયા હતા અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પૂતળાનું દહન કર્યું હતું.
પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની બળપ્રયોગ કરી અટકાયત પણ કરી હતી. તો રાજયમાં રાજકોટસહિતના અમુક સ્થળોએ ભારે નારાજગી વ્યકત કરી રહેલા ઉમેદવારોને પોલીસ દ્વારા જારદાર લાઠીચાર્જ કરાતાં સમગ્ર રાજયમાં ભારે ટીકા અને આકરી નિંદા થઇ હતી. ઉમેદવારોએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે, તેમણે કરેલી મહેનત અને વેઠેલા માનસિક ત્રાસ અને હાલાકીનું વળતર શું? સરકાર પાસે આ પ્રશ્નનો જવાબ નહી હોવાનું સ્પષ્ટ થયું હતું. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં આજે સરકારી તંત્રની અને ખુદ ભાજપ સરકારની ચોતરફ આકરી ટીકા, નિંદા અને નાલેશી થઇ હતી. એક રીતે જાવા જઇએ તો, સરકાર પર વિપક્ષ સહિતના લોકોએ માછલા ધોયા હતા.
એકબાજુ, પેપર લીક મામલે સરકાર બેકફુટ પર ધકેલાઇ હતી તો બીજીબાજુ, લોકરક્ષક દળની પરીક્ષા રદ થયા બાદ ગાંધીનગરમાં રાજયના ડીજીપી, લોકરક્ષક દળના ઉચ્ચ અધિકારીઓ, શહેર ક્રાઇમબ્રાંચ, એટીએસ, સાયબર સેલ અને સરકારના અધિકારીઓની બેઠકોનો દોર અને તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. બેઠકોમાં ડીજીપી શિવાનંદ ઝા, લોકરક્ષક દળ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય, ક્રાઇમબ્રાંચના એડિશનલ જાઇન્ટ સીપી જે.કે.ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સરકારના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં એક મહિલાનું નામ સામે આવતાં પોલીસ તેની પૂછપરછમાં જાતરાઇ હતી પરંતુ તેમછતાં સમગ્ર પ્રકરણમાં મુખ્ય ષડયંત્રકાર કોણ છે કે જેણે આખા સરકારી તંત્ર અને લાખો ઉમેદવારોને બાનમાં લઇ આટલુ ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું તે માટે ઉપરોકત તમામ ઉચ્ચ સત્તાવાળાઓના અધિકારીઓ તપાસની ચર્ચા વિચારણા કરવામાં વ્યસ્ત બન્યા હતા. પોલીસ અને સરકાર કક્ષાએથી ગુપ્ત રીતે મહત્વની સૂચના અને નિર્દેશો જારી કરી દેવાયા હતા અને ટૂંક સમયમાં જ મુખ્ય ષડયંકારી આરોપીને ઝડપી લેવાની આશા વ્યકત કરી હતી.