લોકરક્ષક દળની નવી પરીક્ષા ૬ જાન્યુઆરીએ લેવા નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડને પગલે રદ કરાયેલી પરીક્ષા હવે તા.૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ લેવાશે. જો કે, આ વખતે પેપર લીક ના થાય તે માટે ગુજરાત રાજય લોકરક્ષક દળના તંત્ર, પોલીસ અને રાજય સરકારની મદદથી જારદાર ફુલ પ્રફુ વ્યવસ્થા ગોઠવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના ડીજીપી અને ગુજરાત લોકરક્ષક દળ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સહિતના ઉચ્ચ સરકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજી નવી પરીક્ષામાં પેપર લીક ના થાય તે સહિતની બાબતે જરૂરી સૂચના અને મહત્વના નિર્દેશો આપ્યા હતા.

લોકરક્ષક દળની પરીક્ષાની નવી તારીખ જાહેર થતાં હવે રાજયના પોણા નવ લાખ ઉમેદવારો ફરી એકવાર તૈયારીમાં જાતરાયા છે તો, બીજીબાજુ, પેપર લીક કૌભાંડમાં તપાસના આટાપાટા વચ્ચે તંત્ર પણ પરીક્ષાની તૈયારી અને આ વખતે કોઇ લીક ના થાય તે માટેની ફુલ પ્રુફ વ્યવસ્થાના આયોજનમાં લાગ્યું છે.  લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં પરીક્ષા રદ કરવામાં આવી તેનું પેપર ગુજરાત બહાર માત્ર એક સેટમાં જ છપાયેલું હતું.

આ લીક થયેલું પેપર ગુજરાતમાં નહીં પરંતુ, ગુજરાત બહાર અન્ય કોઈ રાજ્યમાં છાપવામાં આવ્યું હતું એ મતલબની સ્પષ્ટતા અગાઉ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે કરી હતી. વિકાસ સહાયે પેપર લીક થવાના પગલે એલઆરડી પરીક્ષા રદ કરવાને લઇ રાજયભરના લાખો ઉમેદવારો પરત્વે ભારે દુઃખ અને સંવેદનાની લાગણી પ્રગટ કરી હતી. સાથે સાથે તેમણે એ મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી કે,  લોકરક્ષકની આ રદ કરાયેલી પરીક્ષા આગામી ૧૬ ડિસેમ્બરે લેવામાં આવવાની સોશ્યલ મીડિયામાં વહેતી થયેલી વાત માત્ર અફવા જ છે અને તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.  જે મુજબ, આજે સત્તાવાર તારીખ તા.૬ઠ્ઠી જાન્યુઆરી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળની અગાઉની પરીક્ષાનું પેપર માત્ર એક જ સેટમાં છપાયેલું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગાઉ ત્રણ સેટમાં પેપર છપાતા હતા. પરંતુ ઘણાં સમયથી હવે એક જ સેટમાં પેપર છપાતા હોવાનું જણાવતા વિકાસ સહાયે સ્પષ્ટ કર્યું હતું કે, આ પેપર ગુજરાતમાં નહીં પણ રાજ્ય બહાર છાપવામાં આવ્યું હતું. આ પેપર સ્ટ્રોંગ રૂમ અથવા અન્ય સ્થળેથી ક્યારે અને કેવી રીતે લીક થયું તેની સઘન અને ઝડપી તપાસ ચાલી રહી છે.

Share This Article