અમદાવાદ : ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આશ્રય-૯ અને આશ્રય-૧૦ ફલેટના બિલ્ડર કેવલ મહેતા અને એલિમેક એલિવેટર્સ નામની કંપની વચ્ચેના ઝઘડામાં સોસાયટીના રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધજનોની હાલત કફોડી બની છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બિલ્ડર કેવલ મહેતાએ એલિમેક એલિવેટર્સ કંપનીના માલિકને હિસાબ પેટે રૂ.૧.પ૦ કરોડ નહીં ચૂકવતાં લિફટ કંપનીએ આશ્રય-૯ ફલેટની તમામ બ્લોકની લિફટ ગઇકાલે બંધ કરી દીધી હતી, જેના કારણે ફલેટના રહીશોને ભારે હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે. લિફટ બંધ કરતાં કંપનીના માલિકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જ્યારે લિફટ બંધ કરતાં સોસાયટીના રહીશોએ લિફટ કંપનીના માલિક વિરુદ્ધમાં અરજી આપી છે.
શહેરના આશ્રય ડેવલપર્સના બિલ્ડર કેવલ મહેતાની આશ્રય-૯ ફલેટની સ્કીમમાં ઓઢવ રિંગરોડ પર આવેલી એલિમેક એલિવેટર્સ કંપનીના માલિક વિજય પટેલે ર૪ લિફટ એક વર્ષ પહેલાં ફિટ કરી હતી, જેના હિસાબ પેટે બિલ્ડર પાસેથી રૂ.૧.પ૦ કરોડ લેવાના બાકી નીકળે છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં બિલ્ડર દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે. ફોન પર પૈસાની માગણી કરતાં પૈસા માટે ફોન નહીં કરવો તેમ જણાવી દેતા હતા. બિલ્ડર દ્વારા રૂ.૧.પ૦ કરોડની ચુકવણી નહીં કરાતાં ગઇ કાલે એલિમેક એલિવેટર્સ કંપનીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં લિફટ બંધ કરવા અંગેની જાણ કરતી અરજી કરી આશ્રય-૯ની તમામ લિફટ બંધ કરી દીધી હતી. અચાનક લિફટ બંધ કરી દેવાતાં ફલેટના રહીશો હેરાન-પરેશાન થઇ રહ્યા છે. સાત માળ સુધીની સ્કીમ હોઈ સાતમા માળે રહેતા ફલેટના રહીશો હાલાકીમાં મુકાઇ ગયા છે. બિલ્ડર અને લિફટ કંપનીના માલિકો વચ્ચેના ઝઘડામાં ફલેટના રહીશો ભોગ બન્યા છે. લિફટ બંધ કરી દેવાતાં સોસાયટીના રહીશોએ ગઇ કાલે લિફટ કંપનીના માલિક વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એફ.એન. દામાએ જણાવ્યું હતું કે, લિફટ બંધ કરવાના બે દિવસ પહેલાં લિફટ કંપનીના માલિકે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જ્યારે ગઇકાલે ફલેટના રહીશોએ લિફટ બંધ કરી દેવાતાં લિફટ કંપનીના માલિક સામે અરજી આપી છે. મામલો થાળે પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે, પોલીસ જરૂરી તપાસ કરી રહી છે.