રિલેશનશિપ સંબંધોની દર્દનાક ઘટના સામે આવી છે. લિવ-લઇન પાર્ટનર દ્વારા શારીરિક સંબંધ બાદ ગર્ભપાતનો દબાવ સહન કરી રહેલી ૩૩ વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવી લીધું છે. આ મહિલાને તેના લિવ-ઇન પાર્ટનરે આઠ વર્ષ દરમિયાન ૧૪ વખત ગર્ભપાત માટે મજબૂર કરી હતી. જેનાથી ત્રાસી ઉઠેલી મહિલાએ છેવટે આત્મહત્યા કરી લીધી છે. જોકે, મહિલાની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં અનેક રાજ પરથી પડદો ઉંચકાયો છે.
પોલીસને મળેલી સુસાઇડ નોટમાં મહિલાએ આરોપ મૂક્યો છે કે, તે એક એવા વ્યક્તિ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી, જેણે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. મહિલાએ કહ્યું કે, તેની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. પોલીસ અનુસાર, મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરોપી વ્યક્તિ નોએડામાં એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. તેની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાનો કેસ દાખલ કરાયો છે.
આ સમગ્ર ઘટના દિલ્હીના જેતપુર વિસ્તારની છે. આત્મહત્યા બાદ મહિલાના પોસ્ટમોર્ટમ દરમિયાન તેના કપડામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. પીડિતાએ સુસાઇડ નોટમાં તેની આત્મહત્યા પાછળ બિહારના મઘેપુરા જિલ્લાના રહેવાસી ગૌતમને જવાબદાર ગણાવ્યો છે. સુસાઇટ નોટ અનુસાર ગૌતમ તેની સાથે આઠ વર્ષથી રેપ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ૧૪ વખત ગર્ભવતી બની હતી અને આરોપીએ દબાણ કરી ગર્ભપાત પણ કરાવ્યું હતું. નોટમાં જણાવ્યું કે, તેણે પોતાના મોબાઇલમાં તેના પૂરાવા પણ એકઠા કરેલા છે. તેણે આરોપીના મોબાઇલની તપાસ કરવા પણ જણાવ્યું છે. પોલીસ અનુસાર, આ ઘટના ૫ જુલાઇની છે. પોલીસને એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાની જાણકારી મળી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે જોયું કે એક મહિલાએ રૂમમાં ફાંસો ખાધી લીધો હતો. જે બાદ તેને ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.