દિલ્હીમાં એમસીડી ચૂંટણીના કારણે દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઘણીવાર એ ફરિયાદ આવે છે કે ચૂંટણીમાં મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે દારૂ અને રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે સાવચેતીના ભાગરૂપે ચૂંટણી સમયે દારૂની દુકાનોને બંધ કરી દેવાઈ છે. જેના હેઠળ દિલ્હી એમસીડી ચૂંટણીને પગલે દિલ્હીમાં દારૂની દુકાનોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી સરકારના આદેશ અનુસાર ડ્રાય ડે થશે જે મતદાનના દિવસ સુધી ચાલુ રહેશે, મતગણતરીના દિવસે પણ દારૂની દુકાનો બંધ જ રહેશે. દારૂની દુકાનો બંધ રહેવાના સમાચાર સાંભળતાની સાથે જ દારૂના શોખીન લોકો પોત-પોતાનો જુગાડ લગાવી રહ્યા છે. અમુક લોકો અગાઉથી જ ત્રણ દિવસ માટેનો દારૂ ખરીદીને ભેગો કરી રહ્યા છે.

દિલ્હી સરકાર તરફથી જારી આદેશ અનુસાર ૨ ડિસેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાથી ૪ ડિસેમ્બર ૨૦૨૨એ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી દિલ્હીમાં દારૂની દુકાનો બંધ રહેશે. આ દરમિયાન ૪ ડિસેમ્બરે એમસીડી ચૂંટણીનું મતદાન થવાનુ છે. ૭ ડિસેમ્બરે મતગણતરીના દિવસે પણ દારૂની દુકાનો બંધ રહેશે. મતગણતરી બાદ દારૂની દુકાનો પહેલાની જેમ ખોલી દેવામાં આવશે. સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ ત્રણ દિવસ સુધી તમામ દારૂની દુકાનો, બાર, વેચાણના આઉટલેટ પણ બંધ રહેશે. એક્સાઈઝ વિભાગ અને દિલ્હી પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરશે જેથી દારૂનો અનધિકૃત સંગ્રહ અથવા પરિવહન પર કાબુ કરી શકાય. આ દરમિયાન દારૂની દુકાનો ખુલ્લી હશે કે કોઈ દુકાનદાર સંતાઈને દારૂનું વેચાણ કરશે તો તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article