અમદાવાદ : અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરલા ગામની વાડીમાંથી આજે સિંહબાળનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, વનવિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં ઠંડીના કારણે આ સિંહબાળનું મૃત્યું થયું હોવાનું જણાયું હતું. જા કે, ગીર અને તેની આસપાસના પંથકોમાં સિંહો અને સિંહબાળના એક પછી એક થઇ રહેલા મોતને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક યા બીજા કારણસર સિંહો અને સિંહબાળની વસ્તી આ સમગ્ર પંથકમાંથી ઓછી થઇ રહી હોવાછતાં વનવિભાગના અધિકારીઓથી લઇ સરકારના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી, જેને લઇ હવે વન્ય પ્રેમીઓ ખાસ કરીને સિંહ પ્રેમી જનતામાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. સિંહપ્રેમી જનતાએ સિંહો અને સિંહબાળના મોત પ્રકરણમાં ઉંડી અને ન્યાયી તપાસની માંગણી ઉઠાવી છે. જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમેરલીના ખાંભા તાલુકાના ઈંગોરલા ગામના મુકેશભાઈ હંસરાજભાઈ કુંજડિયાની વાડીમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સિંહબાળના મૃતદેહનો કબ્જો લીધો હતો. વનવિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આ સિંહબાળનું મૃત્યુ કાતિલ ઠંડીના કારણે થયું હોવાનું મનાઇ રહ્યુ છે. જા કે, તેમછતાં વનવિભાગના અધિકારીઓ સિંહબાળના મૃત્યુ મામલે સાચુ કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, વધુ એક સિંહબાળનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
તો, વન્ય પ્રેમી અને સિંહપ્રેમી લોકોમાં રાજય સરકાર અને વનવિભાગની ગંભીર નિષ્કાળજી અને રેઢિયાળ તંત્રને લઇ ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સિંહપ્રેમી જનતાએ ગીર અને તેની આસપાસના પંથકોમાં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં મૃત્યુ પામેલા સિંહ અને સિંહબાળના કિસ્સામાં એકદમ ઝીણવટભરી, તટસ્થ અને ન્યાયી તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે અને આ સમગ્ર પ્રકરણમાં જે કોઇની બેદરકારી કે ચૂક સામે આવે અને કસૂરવાર જણાય તે તમામ સામે કાયદેસર આકરા પગલાં લેવા પણ માંગણી કરી છે.