અમદાવાદ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોંગ્રેસ અને તેમના પ્રતિનિધિઓ દ્વારા બીન ગુજરાતીઓ ઉપર જે પ્રકારે ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતની શાણી અને સમજુ જનતા જોઇ રહી છે. ગુજરાત તથા દેશની પ્રજાએ વિશ્વાસ મુકીને કેન્દ્રમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ભાજપા સરકારને જે પ્રકારે આવકાર આપ્યો છે તે કોંગ્રેસને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે. તેથી કોંગ્રેસ યેનકેન પ્રકારે રાજ્યમાં જ્ઞાતિજાતિ તથા પ્રાંતવાદના નામે વર્ગવિગ્રહ ફેલાવી રાજ્યની શાંતિ ડહોળવા માંગે છે.
આવી વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસની સત્તાલાલસાની હીન માનસિકતા પ્રજા સમક્ષ છતી થઇ ગઇ છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અગાઉ પણ કોંગ્રેસના નેતાઓએ શાંતિ જાળવવાની જગ્યાએ ઉશ્કેરણીજનક નિવેદનો આપીને વાતાવરણને તંગ બનાવવાના કૃત્યો કર્યા હતા. રાજ્યની શાંતિ જોખમાય તેવા બનાવો બને ત્યારે તેને ડામવાની જગ્યાએ કોંગ્રેસે હંમેશા પ્રજાને ઉશ્કેરવાના જ પ્રયત્નો કર્યા છે. આજ સુધી કોંગ્રેસના કોઇપણ આગેવાનોએ રાજ્યમાં શાંતિ જાળવવા માટે અપીલ સુદ્ધા કરી નથી. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત એક સંસ્કારી રાજ્ય છે.
ગુજરાતની જનતા સદાય બીનગુજરાતી જનતાને આવકારે છે તથા ગુજરાતના વિકાસમાં બીનગુજરાતીઓનો સિંહફાળો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સીધી સુચનાથી બીનગુજરાતીઓને સંપૂર્ણ રક્ષણ આપી આવા હુમલાઓને સત્વરે ડામવા માટે પોલીસતંત્ર કડકમાં કડક પગલા લઇ રહ્યું છે. આવા ભયના ઓથાર ફેલાવવા માટે દુષ્કૃત્યો કરતા વિકાસના વિરોધીઓને ઓળખી લેવા જરૂરી છે. ગુજરાતની જનતા, રાજ્ય સરકાર તથા પોલીસ વિભાગ હંમેશ બીનગુજરાતીઓના રક્ષણ માટે કટિબદ્ધ છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી.