નવી દિલ્હી : શ્રીલંકામાં ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારતમાં પણ સાવચેતી રાખવા માટેની માંગ સતત ઉઠી રહી છે. હવે શિવસેનાએ શ્રીલંકાની જેમ જ ભારતમાં બુરખા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી છે. ભોપાલમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ પણ શિવસેના દ્વારા કરવામાં આવેલી માંગને સમર્થન આપ્યું છે. ચૂંટણી માહોલમાં આ મુદ્દો દિનપ્રતિદિન ગરમ બની રહ્યો છે. શિવસેનાએ માંગ કરી છે કે, સરકારે જાહેર સ્થળો ઉપર ચહેરાને ઢાંકનાર દરેક પ્રકારના વસ્રો ઉપર પ્રતિબંધ મુકી દેવો જાઇએ. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં આ મુજબની વાત કરી છે. મોદી સમક્ષ ભારતમાં બુરખા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.
જો કે, ભાજપે આ પ્રકારની માંગણીને ફગાવી દીધી છે. ભાજપના પ્રવક્તા નરસિંહાએ કહ્યું છે કે, આ પ્રકારના પ્રતિબંધન કોઇપણ પ્રકારની જરૂર દેખાતી નથી. રાવે કહ્યું છે કે, મોદી સરકારના નેતૃત્વમાં અમે ત્રાસવાદીને રોકવામાં સફળ રહ્યા છીએ. કોઇપણ પ્રકારના પ્રતિબંધ મુકવાની કોઇ જરૂર દેખાતી નથી. મોદી હોવાથી દેશ બિલકુલ સુરક્ષિત છે. ભાજપ ઉપરાંત એનડીએના અન્ય સાથી પક્ષોએ પણ શિવસેનાની આ મુજબની માંગને ફગાવી દીધી છે. રામદાસ અથવાલાએ શિવસેનાની માંગને ફગાવી દેતા કહ્યું છે કે, આ પરંપરાનો એક હિસ્સો છે.
મુસ્લિમ મહિલાઓને બુરખા પહેરવાનો અધિકાર છે. તેના પર પ્રતિબંધ મુકવાની બાબત યોગ્ય નથી. શિવસેનાએ પોતાના મુખપત્રમાં લખ્યું છે કે, શ્રીલંકાની જેમ જ ભારતમાં પણ બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવે તે જરૂરી છે. શ્રીલંકામાં બુરખા અને નકાબ સહિત ચહેરાને ઢાંકનાર ચીજા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
ભારતમાં આ પ્રકારના પ્રતિબંધથી વધુ હોબાળો થઇ શકે છે. શિવસેનાએ પોતાની રજૂઆતના સમર્થનમાં કહ્યું છે કે, ફ્રાંસમાં જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે ત્યાંની સરકારે બુરખા પર પ્રતિબંધ મુક્યો હતો. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં હુમલા કરવામાં આવ્યા ત્યારે પણ બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. રાવણની લંકામાં બુરખા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે ત્યારે રામની અયોધ્યામાં આ પ્રતિબંધ ક્યારે મુકવામાં આવશે. વડાપ્રધાન મોદી આજે અયોધ્યામાં પહોંચ્યા છે ત્યારે આ મુજબનો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ઇસ્ટરના દિવસે શ્રીલંકાના જુદા જુદા શહેરોમાં અને હોટલોમાં આઠ આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા જેમાં ૩૨૫થી વધુ લોકોના મોત થયા હતા અને ૫૦૦ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી સંગઠન આઈએસ દ્વારા આની જવાબદારી લેવામાં આવી હતી.