કેન્દ્ર સરકાર આમ આદમી માટે અનેક નવી નવી વ્યવસ્થાઓ લાવી રહી છે. સાથો સાથ જુની વ્યવસ્થાઓને બદલવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર હવે એક એવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે કે, તમે દેશભરમાં માત્ર એક જ રેશન કાર્ડ ઉપયોગ કરી શકશો. જેનાથી નકલી રેશન કાર્ડ બનાવનારાઓ પર પણ લગામ કસી શકાશે.
આધાર કાર્ડની માફક જ દરેક રેશન કાર્ડને એક વિશિષ્ટ (યૂનિક) ઓળખ નંબર આપવામાં આવશે. આનાથી બનાવટી રેશન કાર્ડ બનાવવા ખુબ જ મુશ્કેલ બનશે. સાથો સાથ સરકાર એવી પણ વ્યવસ્થા તૈયાર કરશે, જેમાં એક ઓનલાઈન એકીકૃત (ઈંટેગ્રેટેડ) સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિસ્ટમમાં રેશન કાર્ડનો ડેટા સ્ટોર થશે.
આ દિશામાં આગામી મહિને કામ હાથ ધરવામાં આવશે. આ ઓનલાઈન સિસ્ટમનો એક મોટો ફાયદો એ પણ રહેશે કે કોઈ પણ લાભાર્થી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ રેશનની દુકાન પરથી સબસિડી ભાવે અનાજ ખરીદી શકશે. આ વ્યવસ્થાનો સીધો લાભ પોતાના રાજ્યથી દૂર અન્ય રાજ્યમાં નોકરી ધંધા માટે પલાયન કરવા મજબુર બનનારા લોકોને થશે.
આ નવી વ્યવસ્થાથી લોકોની અનેક પ્રકારની હાલાકી પણ દુર થશે. હાલની વ્યવસ્થા પ્રમાણે લાભાર્થી પોતાના ગામ કે તેની આસપાસની રેશનની દુકાન પરથી જ સબ્સિડી વાળુ અનાજ ખરીદી શકે છે. વર્તમાનમાં રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જ દેશના એવા ચાર રાજ્યો છે જ્યાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.