અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજાની મહેર ચાલુ રહી છે. ગઇકાલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુ અને આહ્લલાદક બની ગયું હતું.
સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટા પડવાનું ચાલુ રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાઇ ગયા હતા, જયારે નીચાણવાળા ના હોય તેવા વિસ્તારોમાં પાણી ભરાવાની બહુ સમસ્યા જાવા મળી ન હતી. જો કે, શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભુવા, ખાડા પડવાની અને રસ્તાનું ધોવાણ થવાની ફરિયાદો ચાલુ રહેવા પામી હતી.
અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રિ દરમ્યાન પણ સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ પૂર્વ ઝોનમાં ૧૯.૮૩ મિ.મી, પશ્ચિમ ઝોનમાં ૧૮.૦૪ મિ.મી. મધ્ય ઝોનમાં ૧૯.૫૦ મિ.મી, ઉત્તર ઝોનમાં ૨૨.૬૮ મિ.મી અને દક્ષિણ ઝોનમાં ૨૪ મિ.મી વરસાદ નોંધાયો હતો. શહેરમાં સરેરાશ વરસાદ ૨૫.૨૦ એમએમ પડ્યો હતો. જ્યારે કોતરપુર વિસ્તારમાં ૧પ મિ.મી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે શહેરમાં રોડ સેટલમેન્ટની ત્રણ ફરિયાદ આવી છે, જે નવા પશ્ચિમ ઝોનની છે. આ ફરિયાદોમાં રસ્તા બેસી ગયા હોવાની ફરિયાદ નાગરિકોએ કરી છે.
બીજીબાજુ, ગઇકાલે સાંજે ૬ કલાકે વાસણા બેરેજ ખાતે ૧ર૯.૭પ ફૂટ અને કેનાલમાં ર૭પ ક્યુસેક પાણીની જાવક નોંધાઇ હતી. અમદાવાદ શહેરમાં રાતભર વરસેલા હળવા અને ઝરમર વરસાદ બાદ આજે વહેલી સવારથી શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસજી હાઈવે, ઘુમા, વાડજ બોપલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ પડયો હતો.
શહેરમાં આજે એકંદરે હળવો વરસાદ નોંધાયો હતો તો, કયાંક વરસાદના છૂટાછવાયા ભારે ઝાપટાં પણ નોંધાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, નારોલ, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ, સીટીએમ, ઓઢવ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય પાણી ભરાયા હતા, પરંતુ વરસાદનું જોર ઓછું હોવાથી શહેરમાં કયાંય બહુ પાણી ભરાયાની સમસ્યા જાવા મળી ન હતા. અલબત્ત, વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી.
નવા પશ્ચિમ ઝોનમાં ત્રણ સ્થળોએ રોડ-રસ્તા બેસી જવાની ફરિયાદ સામે આવી હતી. તો, ભુવા પડવાની અને ખાડાઓ પડવાની તેમ જ રસ્તાઓ ધોવાણ અઁગેની છૂટીછવાઇ ફરિયાદો પણ ચાલુ રહી હતી. શહેરમાં મેઘમહેર યથાવત રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા શહેરમાં આગામી તા.રપ ઓગસ્ટ સુધી વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો આગામી તા.ર૬ અને ર૭ ઓગસ્ટ વરસાદના ભારે ઝાપટાં પડવાની આગાહી કરાઇ છે.