ગુજરાતમાં હવામાનના એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. તેમણે કહ્યું કે, સોમાલીયા તરફથી આવતા ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગુજરાતમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. આ પવનનું જોર આગામી ૧૦ તારીખ સુધી રહી શકે છે. હાલ ગુજરાતનાં કચ્છની બોર્ડર નજીકના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. ૧ હજાર મિલિબારથી હવાનું દબાણ ઓછું રહેતા, કચ્છના ભાગોમાં ભારે પાવનનું જોર રહી શકે છે. તો કચ્છમાં ૪૦-૪૫ km /ર ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં ૨૦-૨૫ km /ર નો પવન ફૂંકાઈ શકે છે.
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, ૧૯ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી પાંચથી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હળવા વરસાદી છાંટા કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. હાલ માછીમારો માટે દરિયો ખેડવા કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહિવત છે. જો કે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે પણ જાણી લો.
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી ૭ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા નથી. જોકે કેટલીક જગ્યાએ છુટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ એક્ટીવ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં ૯૩ ટકા સુધી વરસાદ પડ્યો છે. જેમાં બે જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે. જેમાં ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થાય છે. થોડા દિવસોના વિરામ બાદ અનેક રાજ્યોમાં ફરી વરસાદની મોસમ શરૂ થવાની છે. ઉત્તર બાંગ્લાદેશ પર ચક્રવાત છે. જેના કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ૪-૫ દિવસમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ૭ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ અપેક્ષા નથી, પરંતુ પશ્ચિમી પવનોથી લોકોને રાહત મળતી રહેશે અને એક-બે દિવસમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જોકે પશ્ચિમી પવનોને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.